અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારમાં ઓગસ્ટ સિરીઝનો પ્રારંભ ફુલગુલાબી તેજી સાથે થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા બે મહિનામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માંથી 47 સ્ટોક્સ તેજી સાથે બંધ થયા હતા, જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી માત્ર એક શેર નરમ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. સાત લાખ કરોડનો વધારો થયો હતો.
સ્થાનિક શેરબજારમાં સતત પાંચ દિવસ ઘટાડા પછી તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ 1292.92 ઊછળી 81,332ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 24,861.15નો લાઇફટાઇમ હાઇ બનાવ્યા પછી 428.70 પોઈન્ટ ઊછળી 24,834.80ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 407 પોઇન્ટ વધીને 51,296ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 1026 પોઇન્ટ ઊછળી 57,768ના સ્તરે બંધ થયો હતો. ફાઇનાન્સિયલ અને રિયલ્ટી સિવાય બાકી બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. ફાર્મા શેરોમાં પણ લાવ-લાવ રહ્યું હતું.
બજાર સતત આઠમા સપ્તાહે તેજી સાથે બંધ થયું હતું, જે છેલ્લા સાત વર્ષમાં સૌપ્રથમ વાર થયું છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIS)એ ગુરુવારે ચોખ્ખી વેચવાલી કરી હતી. તેમણે રૂ. 2605.49 કરોડના શેરો વેચ્યા હતા.
નાણપ્રધાને કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કર્યા છતાં મેટલ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.92 લાખ કરોડથી વધીને 456.74 કરોડ થયું છે. ગઈ કાલના ડેટા પછી IT શેરોમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં આજે આશરે 2329 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 1108 શેરો ઘટીને બંધ થયા હતા.