શેરબજારમાં તેજી પછી પ્રત્યાઘાતી નરમાઈ, સેન્સેક્સ 98 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂની તેજી બાદ પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતીને પગલે સવારે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ અને નિફટીએ ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. પણ એકતરફી તેજીને કારણે માર્કેટ હાઈપ્રાઈઝ હતું, જેથી હાઈ લેવલ પર નફાવાળા વેચવા આવ્યા હતા, અને માર્કેટ ગબડ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 98.80 ઘટી 33,911.81 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 40.75 ઘટી 10,490.75 બંધ થયો હતો.જીએસટીમાં કલેક્શનની રકમ ઘટી છે, તેમજ નાણાકીય વર્ષ 2017-18માં નાણાકીય ખાદ્ય ટાર્ગેટ કરતાં વધી છે. જે ગણતરીએ સરકારની ચિંતા વધી છે, તેની સાથે શેરબજારમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી, મેટલ, રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પાવર, કેપિટલ ગુડઝ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના તમામ શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જેથી સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ લેવલથી પાછા પડી માઈનસમાં જતાં રહ્યા હતા. અગ્રણી ટેકનિકલ એનાલીસ્ટોના કહેવા પ્રમાણે માર્કેટ હાઈપ્રાઈઝ છે, અને ઓવરબોટ પોઝિશનમાં છે, જેથી પ્રોફિટ બુકિંગ આવવું જરૂરી હતું.

 • સેન્સેક્સ 34,137.97 ઑલ ટાઈમ હાઈ લેવલથી 298 પોઈન્ટ ગબડ્યો હતો.
 • નિફટી 10,552.40 ઑલ ટાઈમ હાઈ લેવલથી 83 પોઈન્ટ તૂટ્યો
 • રીલાયન્સ કોમ્યુનિકેશન માર્ચ-2018 સુધી પોતાનું દેવું 25,000 કરોડ ઘટાડી લેશે, એવા સમાચાર પાછળ આર કોમમાં નવી લેવાલી આવી હતી, અને શેરનો ભાવ 34.74 ટકા વધી રૂપિયા 28.74 બંધ હતો.
 • આજે આઈઓસી, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બોસ લિમિટેડ, ટીસીએસ, હિન્દાલકો, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, બજાજ ઓટો અને એનટીપીસીમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
 • લિબીયામાં પાઈપલાઈનમાં વિસ્ફોટ થતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ક્રૂડ 66 ડૉલરને પાર કરી ગયું છે. જે અઢી વર્ષની હાઈ પર પહોંચી ગયો છે.
 • ક્રૂડના ભાવ વધીને આવ્યા હોવાથી ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, એવી ધારણાએ મોંઘવારી વધશે, જેની ચિંતા સ્ટોક માર્કેટમાં હતી.
 • એનએસઈએલ એટલે કે નેશનલ સ્પોટ એક્સચેન્જ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટએ પીડી એગ્રો અને દુનાર ફૂડ્સની અંદાજે 117 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ બન્ને કંપનીઓ પર મની લોન્ડ્રિંગનો આરોપ છે.
 • આજે શરૂની તેજી પછી નરમાઈમાં પણ ફાર્મા સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 267.20 પ્લસ બંધ રહ્યો હતો.
 • હેલ્થકેર સિવાયના તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા.
 • રોકડાના શેરોમાં પણ ઊંચે મથાળે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 33.30 માઈનસ બંધ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 63.52 માઈનસ હતો.