પૈસા વગર કરો ખરીદી, દીવાળી માટે ગૂગલ લાવ્યું ધમાકેદાર ઓફર

નવી દિલ્હીઃ આ વર્ષે દીવાળી પર ગૂગલ એક ધમાકેદાર ઓફર લાવવા જઈ રહ્યું છે. પૈસા વગર તમે ગૂગલના પ્લેટફોર્મ પર 15,000 જેટલા વેપારીઓ પાસેથી ઓનલાઈન ખરીદી કરી શકશો. ખરીદી માટે ગૂગલ તમને તરત જ ઓનલાઈન લોન ઉપ્લબ્ધ કરાવશે. તાજેતરમાં જ ગૂગલે પોતાના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનું નામ ગૂગલ પે રાખ્યું છે જેના માધ્યમથી દીવાળી દરમીયાન કોઈ પ્રકારની મુશ્કેલી વગર લોન લઈને ખરીદી કરી શકાશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ઉબર, બૂક માય શો, જેવી ઈ કોમર્સ કંપનીઓ પણ લોન આપશે.

ગૂગલના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મથી લોન આપવાનું કામ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, ફેડરલ અને કોટક મહિન્દ્રા જેવી બેંક કરશે. લોન લેવા ઈચ્છુક ગ્રાહકોના ટ્રાંઝેક્શન રેકોર્ડને જોઈને ગૂગલ એ નક્કી કરશે કે કોણ કેટલી લોન લઈ શકે છે. લોનની કીંમત ગ્રાહકના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. જેની ચૂકવણી ગ્રાહકે સરળ હપ્તામાં કરવાની રહેશે.

ગૂગલે દિવાળી દરમિયાન ધમાકેદાર ઓફર લોન્ચ કરવા માટે 15,000 દુકાનદારોની પસંદગી કરી લીધી છે. આ કામ માટે ગૂગલ ટીમ દ્વારા વિભિન્ન જગ્યાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૂગલે ગ્રામીણ વિસ્તારના લોકોને ઓનલાઈન ખરીદી શીખવાડવા માટે ટ્રેનરની પણ નિયુક્તી કરી છે. ગૂગલને સૌથી મોટો ફાયદો એ છે કે ગૂગલ પે એપનો ઉપયોગ અત્યારે પહેલા કરતા 5 કરોડથી વધારે લોકો કરી રહ્યા છે. આ એપ્લીકેશનનો ઉપયોગ કરનારા લોકોને દીવાળી દરમિયાન ગૂગલના પ્લેટફોર્મ પરથી ખરીદી માટે સરળતાથી લોન મળી જશે. ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓનો વ્યાપાર 40 અબજ ડોલરની પાર પહોંચી ગયો છે. આવનારા બે વર્ષમાં આ વ્યાપાર 100 અરબ ડોલરને પાર કરી જશે તેવું વિશેષજ્ઞોનું માનવું છે.