વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોથી સેન્સેક્સ-નિફ્ટીમાં લાલચોળ તેજી

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપતરફી આવતાં બજારમાં લાલચોળ તેજી થઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. આ સાથે નિફ્ટી બેન્ક, મિડકેપ પણ નવા શિખરે પહોંચ્યા હતા. ટ્રેડિંગ સેશનમાં ફાર્મા સિવાયના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. મેટલ, PSU, ઓટો, IT શેરોમાં લાવ-લાવ હતું. નિફ્ટી બેન્ક 21 જુલાઈ, 2023 પછી નવા શિખરે પહોંચ્યો હતો.

ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી મોટી જીતથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો, જેને પગલે BSEનો સેન્સેક્સ 1384 પોઇન્ટ ઊછળી 68,865.12ના સ્તરે બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ 419 પોઇન્ટ ઊછળી 20,686.80ના મથાળે બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બેન્કિંગ, ઓટો, FMCG અને IT સેક્ટરમાં ધૂંમ ખરીદી થઈ હતી. બેન્ક નિફ્ટીમાં 3.50 ટકાનો વધારો થયો હતો.

સ્ટોક માર્કેટ માટે આગામી પાંચ વર્ષ અમૃત કાળ છે, એવું દિગ્ગજ રોકાણકારો મધુસૂદન કેલાનું માનવું છે. તેમનું માનવું હતું કે બજાર હાલ થોડા સમય માટે કોન્સોલિડેટેડ તબક્કામાં રહેશે. છેલ્લા એક વર્ષમાં બધા મુખ્ય ઇન્ડેક્સમાં એક દિવસમાં સૌથી મોટી તેજી જોવા મળી હતી. ઓક્ટોબર, 2022 પછી એક દિવસમાં આ સૌથી મોટી તેજી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં રેકોર્ડ 12મા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી.

સેન્સેક્સ સવારના ટ્રેડિંગમાં 1000 પોઇન્ટ ઊછળી 68,409ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 284 પોઇન્ટ ઊછળી 20,552ની સપાટીએ ખૂલ્યો હતો.

નિફ્ટી છેલ્લાં 27 ટ્રેડિંગ સેશનમાં આશરે 10 ટકા વધી ગયો છે. આ સાથે નિફ્ટી છેલ્લાં 27 વર્ષોમાં 3.3 ટકાની સરેરાશ તેજીની સાથે ડિસેમ્બરમાં 74 ટકા મામલામાં તેજીની સાથે બંધ થયો હતો.