અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ઘરેલુ શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. નિફ્ટી અને સેન્સેક્સ સિવાય બેન્ક નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.54 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી.
બજારમાં ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં સોથી વધુ તેજી થઈ હતી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન્સ અને એનર્જી શેરોમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. BSE સેન્સેક્સ 391 પોઇન્ટ વધી 80,352ના સ્તરે અને નિફ્ટી 113 પોઇન્ટની તેજી સાથે 24,433ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 143 પોઇન્ટની તેજી સાથે 52,569ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 189 પોઇન્ટ વધી 57,078ના સ્તરે બંધ થયો હતો. ગઈ કાલે બજારમાં FII ચોખ્ખા લેવાલ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો પણ ચોખ્ખા લેવાલ રહ્યા હતા. FIIએ રૂ. 61 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ રૂ. 2866.8 કરોડ શેર ખરીદ્યા હતા.
અમેરિકી બજારોમાં મિશ્ર ટ્રેન્ડ હતો. ડાઉ જોન્સ નરમ બંધ આવ્યો હતો, જ્યારે નેસ્ડેકમાં તેજી થઈ હતી, જ્યારે મુખ્ય એશિયન માર્કેટમાં લેવાલીનું વલણ જોવા મળ્યું હતું. બજારની નજર આ સપ્તાહે આવનારા મોંઘવારીના આંકડા પર છે. આ સિવાય અમેરિકામાં અર્નિંગ સીઝનનો પ્રારંભ થશે.
BSE પર કુલ 4026 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 2017 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1916 શેરોમાં ઘટાડો થયો હતો. 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. 331 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.