અર્થતંત્રમાં રિકવરી? શેરબજારોમાં બીજા દિવસે ય તેજી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રના  રિકવરી થઈ રહી હોવાના આપેલા સંકેતોને લીધે શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. તેમણે કહ્યું હતું કે અનેક ક્ષેત્રોમાં રિકવરી થઈ રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. PMI  ઇન્ડેક્સ, રિટેલ ક્ષેત્રના બેન્ક ધિરાણમાં વધારો, MSME ક્ષેત્રે પણ રિકવરી થઈ રહી છે જેને શેરબજારે વધાવી લીધા હતા. આ ઉપરાંત નાણાપ્રધાને કહ્યું હતું કે જીએસટી વસૂલાતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેની બજાર પર પ્રોત્સાહક અસર પડી હતી.

બીએસઈ સેન્સેક્સ દિવસને અંતે 350 પોઇન્ટ ઊછળીને 41,565.90ના મથાળે બંધ રહ્યો હતો.બીએસઈ સેન્સેક્સે ઇન્ટ્રા-ડે દરમ્યાન 41,671 પોઈન્ટની ઊંચી સપાટી સર કરી હતી.  જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 93.30 પોઇન્ટ વધીને 12,201.20ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સે અતિ મહત્ત્વની 12,200ની સપાટી પણ કુદાવી હતી. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન એફએમસીજી, આઇટી બેન્ક, ટેલિકોમ,ઓટો અને મેટલ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી, જ્યારે રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડઝ અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે ચીનના સિનિયર મેડિકલ સલાહકારે કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા દર્શાવી હતી. જોકે સ્થિર ક્રૂડ ઓઇલની કિંમતોને લીધે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. આ ઉપરાંત ટ્રમ્પની અને ભારત મુલાકાતને લીધે વાતાવરણ તેજીમય હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન સાથે તેઓ વેપારી કરાર પણ કરવાના છે. જેથી સ્થાનિક બજારમાં તેજીતરફી વલણ જળવાઈ રહ્યું હતું.

નિફ્ટી 50નું ટેક્નિકલ લેવલ જોઈએ તો નિફ્ટીની 50 દિવસની મુવિંગ એવરેજ 12,210ની છે, વળી નિફ્ટી 12,200ની ઉપર બંધ આવ્યો છે. નિફ્ટીનો એકદમ નજીકનો નીચેનો સપોર્ટ 12,050-12,000 છે, એમ બજારના નિષ્ણાતો કહે છે, પણ નિફ્ટીની ઉપરમાં 12,160 અને 12,200ની સપાટી પ્રતિકારક સપાટી છે. નિફ્ટી બેન્ક પણ 242 પોઇન્ટ વધીને 31,300ની સપાટીએ બંધ આવ્યો છે. જે પણ આગામી દિવસોમાં 31,500-31700 સુધી જઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]