શેરબજારમાં પાંચમાં દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 83 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોને પગલે શેરોના ભાવ અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા. ત્યાર બાદ ટ્રેડિંગ સેશન દરમિયાન લેવાલી અને વેચવાલીના બે તરફી કામકાજ હતા, અને શેરોના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. બેંકરપ્સી કોડમાં સંશોધનને કારણે એફએમસીજી. ઓટોમોબાઈલ અને રિઅલ એસ્ટેટ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 83.20(0.25 ટકા) વધી 33,561.55 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 15.40(0.15 ટકા) વધી 10,342.30 બંધ થયો હતો.મંગળવાર મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 160 પોઈન્ટ ઉછળી 23,591 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક પણ 72 પોઈન્ટ ઉછળી 6862 બંધ થયો હતો. જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત ખુલ્યા હતા. ભારતીય શેરોની પણ સારી શરૂઆત થઈ હતી. સતત પાંચમાં દિવસે તેજી થઈ હતી, પણ દરેક ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓનું પ્રોફિટ બુકિંગ હતું અને શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી, જેથી ઈન્ડેક્સ પોઝિટિવ બંધ રહ્યા હતા.

  • એફઆઈઆઈએ મંગળવારે રૂપિયા 727 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 825 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • જીએસટી દર 12 અને 18 ટકાને મર્જ કરી દેવાશે, જે સમાચારની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર હતી.
  • અમેરિકાએ નોર્થ કોરિયાને આતંકવાદી પ્રાયોજિત જાહેર કર્યું છે, જે પછી નોર્થ કોરિયા રોષે ભરાયું છે, જેને પગલે શેરબજારમાં સાવચેતી રખાતી હતી.
  • આજે તેજી બજારમાં બેંક શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર અને મેટલ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઠીકઠીક લેવાલી હતી અને મિશ્ર વાતાવરણ રહ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 8.82 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 40.41 પ્લસ બંધ હતો.