સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 499 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 23,750ને પાર

અમદાવાદઃ સપ્તાહનો પ્રારંભ ઘરેલુ શેરબજારોમાં તેજી સાથે થયો હતો. ખાસ કરીને બ્લુ ચિપ શેરોમાં તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. એક લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ સાધારણ વધીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક સંકેતો અને એશિયન બજારોમાં નોંધપાત્ર તેજીને પગલે ઘરેલુ શેરબજારો પણ મજબૂતી જોવા મળી હતી. જેથી પાંચ દિવસની મંદીને બ્રેક વાગી હતી અને બજારમાં સુધારો થયો હતો.  બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, FMCG અને મેટલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. એ સાથે એનર્જી, PSE અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ લેવાલી થઈ હતી. જોકે ઓટો અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. જેથી BSE સેન્સેક્સ 499 પોઇન્ટની તેજી સાથે 78,540ના સ્તરે અને નિફ્ટી 166 પોઇન્ટ વધીને 23,753ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 186 પોઇન્ટ વધીને 57,093ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 558 પોઇન્ટની તેજી સાથે 51,318ના મથાળ બંધ થયો હતો.NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ 20 ડિસેમ્બરે ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 3597.82 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે ઘરેલુ સ્થાકીય રોકાણકારઓએ રૂ. 1347.37 કરોડના શેર ખરીદ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4218 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1641 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2446 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 131 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 212 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 93 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 314 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 374 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.