સેન્સેક્સ 495 પોઇન્ટ તૂટ્યો,નિફ્ટી 24,750ની નીચે બંધ

અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે ઘરેલુ શેરબજાર સતત ત્રીજા સેશનમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઓટો, મિડિયા અને રિયલ્ટીમાં 2-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.જોકે ITમાં સુધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. ઓક્ટોબરમાં FIIએ રૂ. 67,310.80 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. છેલ્લા સાડાચાર વર્ષોમાં એક મહિનામાં કરવામાં આવેલી સૌથી વધુ વેચવાલી કરી હતી.  શેરબજારનું ઊંચું વેલ્યુએશન, મિડલ-ઇસ્ટમાં ટેન્શન અને ચીનના નવા આર્થિક પેકેજને કારણે રોકાણકારો ઘરેલુ બજારમાં વેચવાલી કરી રહ્યા છે.

આ સાથે દેશમાં અનિયમિત પડેલા વરસાદને કારણે રિટ્લ મોંઘવારી દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 5.5 ટકાએ પહોંચ્યો છે, જે છેલ્લા નવ મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. આ પહેલાં ઓગસ્ટમાં મોંઘવારી દર 3.7 ટકા હતો.

બજારની નજર હવે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી, મિડલ ઇસ્ટમાં ટેન્શન, ચીનનાં આર્થિક પ્રોત્સાહનો અને કેન્દ્રીય બેન્કની આગામી બેઠક પર છે. બજાર હાલ કંપની પરિણામોની વચ્ચે બેતરફી વધઘટમાં અથડાઈ ગયું છે. બજારનું સેન્ટિમેન્ટ હાલ નરમ છે. આ સાથે બજારમાં બજાજ ઓટોનાં નબળાં પરિણામોએ ઓટો શેરોમાં નરમ વલણ રહ્યું હતું. જેથી રિયલ્ટી, PSE, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, FMCG શેરોમાં નરમાઈ પ્રવર્તતી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4064 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1272 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2691 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 101 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 312 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 239 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.