સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 85,5000ને પાર

અમદાવાદઃ સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. નિફ્ટી બેન્ક પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 666 અને નિફ્ટી 212 પોઇન્ટ ઊછળ્યા હતા.  ITCની આગેવાની હેઠળ શેરોમાં તેજી આગળ વધી હતી. ITCનું માર્કેટ કે રૂ. 6.5 લાખ કરોડને પાર થયું હતું. છેલ્લા છ દિવસોમાં BSEની કંપનીઓમાં પૈસા લગાવનારા રોકાણકારોની કુલ સંપત્તિ રૂ. 10 લાખ કરોડથી વધુ વધી છે.

BSE સેન્સેક્સ 666.25 પોઇન્ટ ઊછળી 85,836.12ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 211.90 પોઇન્ટ વધી 26,216.05ના સ્તરે બંધ થયો હતો. NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગઈ કાલે FIIએ રૂ. 973.94 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 1778.99 કરોડના શેરોની ખરીદી કરી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.73 લાખ કરોડનો વધારો થયો હતો

US ફેડરલે પાછલા સપ્તાહમાં વર્ષો પછી વ્યાજદરોમાં કાપ મૂક્યા પછી શેરબજારોમાં લાલચોળ તેજી થઈ રહી છે. ફેરલ રિઝર્વે જે વ્યાજકાપ કર્યો હતો,  બજારની અપેક્ષા કરતાં વધુ હતું. એવું માનવામાં આવે છે કે વ્યાજદર ઘટવાથી બજારમાં પહેલેથી વધુ પૈસા આવે છે, જેથી શેરબજારને બુસ્ટ કરી શકે છે. શોર્ટથી મિડિયમ ટર્મમાં વિદેશી રોકાણકારો તરફથી શેરોની ખરીદીમાં વધારો થવાની શક્યતા છે.

આ સાથે શેરબજારમાં તેજી આવવાનું એક કારણ મ્યુચ્યુઅલ ફંડોની SIP દ્વારા પ્રતિ મહિને રૂ. 20,000 કરોડથી વધુનું મૂડીરોકાણ આવી રહ્યું છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર મ્યુચ્યુઅલ ફંડો પાસે હાલ રૂ. 1.86 લાખ કરોડ કેશ રિઝર્વ છે.સપ્ટેમ્બરમાં ઘરેલુ રોકાણકારો અત્યાર સુધી રૂ. 15,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4081 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1698 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2279 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 104 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 327 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 262 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.