નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને સપ્ટેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટના છેલ્લા દિવસે સ્થાનિક શેરબજારોમાં વેચવાલી થઈ હતી. વળી, ક્રૂડની કિંમતોમાં પણ વધારો થયો હતો. જેથી સેન્સેક્સ 610 પોઇન્ટ અને નિફ્ટી 19,530ની નીચે બંધ થયો હતો. જેને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બજારમાં કેપિટલ ગુડ્સ સિવાયના BSEના બધા સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ વેચવાલી IT, FMCG, કોમોડિટી, ઓટો અને મેટલ શેરોમાં થઈ હતી.
બજારમાં સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટીને 65,506 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 193 પોઇન્ટ તૂટીને 19,524 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 287 પોઇન્ટ ઘટીને 44,301, મિડકેપ 537 પોઇન્ટ તૂટીને 40,104 બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 44 શેરો ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 24 શેરો નરમ બંધ રહ્યા હતા.
રોકાણકારોના 2.40 લાખ કરોડ ડૂબ્યા
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 317.21 લાખ કરોડ પર આવી ગયું હતું. જે ગઈ કાલે રૂ. 319.61 કરોડ હતું. આમ BSE પર માર્કેટ કેપમાં આશરે રૂ. 2.40 લાખ કરોડનો ઘટ્યું હતું.
એક્સચેન્જ પર 3790 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં. એમાંથી 1622 વધીને બંધ થયા હતા, જ્યારે 2039 શેરો ઘટીને બંધ થયા હતા. આ સાથે 129 શેરો સ્થિર રહ્યા હતા, જ્યેર 202 શેરોએ 53 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.