મુંબઈઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) દેશની સૌથી મોટી કેન્દ્ર સરકાર સંચાલિત બેન્ક છે. તેણે લોન લેનાર ગ્રાહકો, ખાસ કરીને રીટેલ ગ્રાહકો હપ્તા સમયસર ચૂકવતા રહે એ માટે એક અનોખી રીત અપનાવી છે. માસિહ હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જવાની સંભાવનાવાળા ગ્રાહકોને તે ચોકલેટનું પેકેટ મોકલીને શુભેચ્છા પાઠવશે.
બેન્ક દ્વારા જણાવ્યા મુજબ, અમને એવું માલુમ પડ્યું છે કે જ્યારે કોઈ લોનધારક બેન્કમાંથી કરવામાં આવેલા રીમાઈન્ડર ફોન કોલનો જવાબ આપવાનું ટાળે ત્યારે અમે સમજી લઈએ કે એનો ઈરાદો હપ્તો સમયસર ચૂકવવાનો નથી. તેથી એવા લોકોને એમના ઘેર અચાનક જઈને મળવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે એવું અમે નક્કી કર્યું છે. આ રીત અપનાવવા પાછળનો અમારો હેતુ લોનની રકમની વસૂલી વધારવાનો છે.
એક તરફ ઋણ લેનાર છૂટક ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે અને બીજી બાજુ વ્યાજના દર વધતા રહેતા હોવાથી હપ્તાની સમયસર ચૂકવણી ન કરવાના અપરાધનું પ્રમાણ પણ વધતું જાય છે. એસબીઆઈની રીટેલ લોનનું કદ 2022ના જૂન ક્વાર્ટરમાં રૂ. 10,34,111 કરોડ હતું, તે આ વર્ષના જૂન ક્વાર્ટરમાં 16.46 ટકા વધીને રૂ. 12,04,279 કરોડ થયું છે.