SBI card IPO નું 16 મીએ લિસ્ટીંગઃ મોટા રોકાણકારોને નુકસાનની ચિંતા

નવી દિલ્હીઃ HDFC બેન્ક પછી દેશની સૌથી મોટી બીજા ક્રમની ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅર કંપની SBI કાર્ડ્સ અને પેમેન્ટ્સ સર્વિસિસના ઇક્વિટી શેરો  શેરબજારોમાં 16 માર્ચે લિસ્ટ થશે. ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરબજારોમાં લિસ્ટિંગ પામનારા આ સૌપ્રથમ શેરો હશે. ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅરે શેરદીઠ રૂ. 755ની કિંમત નક્કી કરી છે, જે તેની હાયર બેન્ડ (રૂ. 750-755)ની ઊંચી કિંમત છે અને કર્મચારીઓને આ શેરો શેરદીઠ રૂ. 75ના ડિસ્કાઉન્ટથી પ્રાપ્ત થશે.

સ્ટેટ બેન્કની સબસિડિયરી કંપનીએ પબ્લિક ઇસ્યુ થકી રૂ. 10,340 કરોડ ઊભા કર્યા હતા, જેમાં કંપનીએ નવા ઇસ્યુ દ્વારા કંપનીએ રૂ. 500 કરોડ ઊભા કર્યા હતા, જ્યારે બાકીના (રૂ. 9,840 કરોડ) એની માતૃ કંપની સ્ટેટ બેન્ક અને રોકાણકાર CA રોવર હોલ્ડિંગ્સ કે ડે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કાર્લલ ગ્રુપની પેટા કંપની પાસેથી મેળવ્યા હતા.

ઇસ્યુ પહેલાં પ્રીમિયમ અને પછી ડિસ્કાઉન્ટ

એસબીઆઇ કાર્ડનો પબ્લિક ઇસ્યુ માર્કેટમાં આવ્યો એ પહેલાં ગ્રે માર્કેટમાં આ શેરનું રૂ. 350માં પ્રીમિયમ બોલાતું હતું. ગ્રે માર્કેટમાં આટલું ઊંચું પ્રીમિયમ જોઈને હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોએ આ ઇસ્યુમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. ડેટા જોઈએ તો નોન-ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરી (NII)ના ક્વોટામાં એ 45.23 ગણો ભરાયો હતો, જ્યારે QIB કેટેગરીમાં  57.18 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલમાં એ અઢી ગણો ભરાયો હતો.

જોકે ઇસ્યુ પહેલાં એ પ્રીમિયમમાં બોલાતો હતો અને કોરોનાને લીધે આખી પરિસ્થિતિમાં એવો વળાંક આવ્યો કે ઇસ્યુના લિસ્ટિંગ પહેલાં એ ડિસ્કાઉન્ટમાં બોલાઈ ગયો. હાલ આ ઇસ્યુની કિંમત 20થી 25 ટકા ડિસ્કાઉન્ટમાં ચાલી રહી છે. જે રીતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ મંદી વ્યાપી ગઈ એ રીતે શેર ડિસ્કાઉન્ટ થઈ ગયો.

હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોને ઝટકો

આ ઇસ્યુમાં હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોએ તગડી કમાણીની આશાએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું હતું, પરંતુ બજારનું સેન્ટિમેન્ટ ફરી જતાં હાલ એમાં તેમને નુકસાન થવાની ભીતિ છે, અન્યથા ખાસ લાભ થવાની આશા નથી, કેમ કે ગ્રે માર્કેટમાં એ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યો છે.