સેન્સેક્સમાં 1,325 પોઇન્ટની રિકવરી, નિફ્ટી 10,000ની નજીક

અમદાવાદઃ કોરોના કહેરને કારણે વિશ્વનાં બજારોમાં અફરાતફરીને પગલે ભારતીય શેરબજારો પણ ખૂલતામાં જ કડાકો બોલી ગયો હતો અને નીચલી સરકિટ લાગી હતી, જેથી 45 મિનિટ સુધી બજારમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યા હતા. જોકે એ પછી રોકાણકારોમાં ગભરાટ શમતાં નીચલા સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,325 પોઇન્ટ વધી 34,100ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 365 પોઇન્ટ વધીને 9,955ના મથાળે બંધ રહ્યો હતો.  

12 વર્ષ પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ

કોરોના વાઇરસને કારણે સ્થાનિક બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો, જેથી 12 વર્ષ સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી ગઈ હતી અને 45 મિનિટ ટ્રેડિંગ અટકાવાયાં હતાં. સેન્સેક્સમાં 3200 પોઇન્ટ અને નિફ્ટીમાં 1100 પોઇન્ટ કડાકો બોલી ગયો હતો. આ પહેલાં 2008માં સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી હતી. જોકે એ પછી રિકવરી થઈ હતી.

બેન્ક નિફ્ટી 5.54 ટકા સુધર્યો

બજારમાં કોરોના વાઇરસને લીધે જે ગભરાટ ફેલાયો હતો, એ શમતાં બજારમાં રિકવરી થઈ હતી, જેમાં બેન્ક નિફ્ટી 5.54 ટકા વધીને 25,346.50ના સ્તરે બંધ રહ્યો હતો. એ પહેલાં બેન્ક નિફ્ટી 11 ટકા તૂટ્યો હતો, જે ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો હતો. પીએસયુ બેન્ક 11.73 પોઇન્ટ, ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ છ ટકા, આઇટી ઇન્ડેક્સ બે ટકા અને મેટલ ઇન્ડેક્સ છ ટકા, ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો વધ્યા હતા.

સાપ્તાહિક રીતે સેન્સેક્સ  અને નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો

સાપ્તાહિક રીતે સેન્સેક્સમાં 9.6 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી પણ 10 ટકા ઘટ્યો હતો. આ સાથે મિડકેપ 11.2 ટકા, મેટલ ઇન્ડેક્સ 14.1 ટકા ઘટ્યા હતા, જ્યારે પીએસયુ ઇન્ડેક્સ 13.4 ટકા અને આઇટી ઇન્ડેક્સ 14.3 ટકા ઘટ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]