નવી દિલ્હીઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભાઈ અનિલ અંબાણીની નાદાર થઈ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ખરીદી લેશે. આમ મોટા ભાઈ નાના ભાઇની વહારે આવ્યા છે. આ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આરકોમની રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. બેન્કોને આશા છે કે આનાથી એમના રૂ. 23,000 કરોડ રિકવર થશે.
જિયો ટાવર અને ફાઇબર બિઝનેસ ખરીદશે
મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો આરકોમનો ટાવર અન ફાઇબર બિઝનેસ (રિલાયન્સ ઇન્ફ્રાટેલ)ને ખરીદવા માટે રૂ. 4,700 કરોડની ઓફર કરી રહી છે. યુવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (UVARC)એ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમની એસેટ માટે રૂ. 14,700 કરોડની બોલી લગાવી હતી. આરકોમે રૂ. 4,300 કરોડનાં લેણાં ઇન્ડિયન અને ચાઇનીઝ ક્રેડિટર્સને પ્રાથમિકતાને આધારે ચૂકવવાની છે.
કંપની પર કુલ રૂ. 82,000 કરોડનાં દેવાં
આ મામલે એસબીઆઇ બોર્ડે આરકોમના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આરકોમનાં સિક્યોર્ડ દેવાં રૂ. 33,000 કરોડના છે અને લેન્ડર્સે રૂ. 49,000 કરોડનો દાવો કર્યો છે.
જિયોની આરકોમની એસેટ ખરીદવા અસહમતી
પાછલા દિવસોમાં આરકોમે એસેટ વેચીને દેવાં ચૂકવવાના પ્રયત્નો કર્યા હતા. આ માટે અનિલ અંબાણીએ રિલાયન્સ જિયોનો પણ સંપર્ક કર્યો હતો. જોકે આ સોદો થઈ ના શક્યો. જિયોએ આરકોમની એસેટ ખરીદવા માટે ના પાડી હતી. જિયોએ કહ્યું હતું કે કંપની આરકોમનાં ભારે દેવાંનો બોજ ઉઠાવવા નથી માગતી. જેથી સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્શને ઇન્સોલ્વન્સી માટે અરજી કરી હતી અને આ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.