મુંબઈઃ ઈન્સ્ટન્ટ રીયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ) દ્વારા RuPay ક્રેડિટ કાર્ડના ઉપયોગથી રૂ. 2,000 સુધીની રકમના નાણાકીય વ્યવહાર પર હવે કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાડવામાં નહીં આવે. ભારતીય રિઝર્વ બેન્કે આપેલી સૂચનાનું પાલન કરીને આ નિર્ણય લેવાયો છે, એમ કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે.
રૂપે ક્રેડિટ કાર્ડ છેલ્લા ચાર વર્ષથી સક્રિય કરવામાં આવ્યું છે. તમામ મોટી બેન્કો એની સાથે એનેબલ્ડ છે અને તેઓ કમર્શિયલ તેમજ રીટેલ, એમ બંને પ્રકારના સેગ્મેન્ટ્સ માટે આ કાર્ડ ઈશ્યૂ કરે છે. રૂપે, એનપીસીઆઈ સંસ્થાએ દાખલ કરેલા દેશી પ્લાસ્ટિક કાર્ડ છે. દેશમાં પેમેન્ટ સિસ્ટમને એકત્રિત કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. દેશમાં તમામ મુખ્ય બેન્કો રૂપેડેબિટ કાર્ડ ઈશ્યૂ કરે છે. તે અન્ય કાર્ડ્સ (યુરો પે, માસ્ટરકાર્ડ, વિસા) જેવું જ છે. તમામ ભારતીય બેન્કો, એટીએમ, પીઓએસ ટર્મિનલ કે ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર રૂપે કાર્ડ સરળતાથી વાપરી શકાય છે. ભારતમાં 1,236 બેન્કો રૂપે કાર્ડ ઈશ્યૂ કરે છે.