નવી દિલ્હીઃ કોરોના રોગચાળા પછી આ વખતે દેશભરમાં તહેવારોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. દેશનાં બજારોમાં સેલનાં પાટિયાં લાગી ગયાં છે અને બજારોમાં ઝાકઝમાળ છે. રિટેલર્સ અને હોલસેલર્સની મોટી સંસ્થા એસોસિયેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા મુજબ આ વર્ષે તહેવારોની સીઝનમાં દેશમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડથી વધુના વેપાર થવાની ધારણા છે. ગયા વર્ષે આ સીઝનમાં આશરે રૂ. 2.5 લાખ કરોડના વેપાર થયા હતા.
CAIT એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે તહેવારોની સીઝન આ વખતે રક્ષા બંધનથી શરૂ થઈ હતી, જે 23 નવેમ્બરે તુલસી વિવાહ સુધી ચાલશે. હાલ 15 ઓક્ટોબરથી નવરાત્રિ, રામલીલા, દશેરા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ પૂજા અને તુલસી વિવાહ સુધી તહેવારોની સીઝન છે. આ સીઝનમાં ગ્રાહકોની માગ અનુસાર દેશના વેપારીઓએ મોટા પાયે ગ્રાહકો માટે માલસામાન સ્ટોક કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે આ સીઝનમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડના વેપારની અપેક્ષા છે. દેશનાં બજારોમાંથી આશરે 60 કરોડ ગ્રાહકો ખરીદી કરે છે. તહેવારોમાં પ્રત્યેક વ્યક્તિ રૂ. 5000નો ખર્ચ કરે છે, જેથી રૂ. ત્રણ લાખ કરોડનો આંકડ સરળતાથી પાર થઈ જવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે હવે લોકો કોરોનાના સંકટને પાછળ રાખી ચૂક્યા છે. ઘરેલુ માલસામાન, ઇલેક્ટ્રિકલ્સ, ગિફ્ટ, કપડાં, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી, વાસણો, સજાવટનો માલસામાન, ફર્નિચર અને કન્ઝ્યુર ઇલેક્ટ્રિક્લ્સ, ઓટોમોબાઇલ, મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર અને નાસ્તા, મીઠાઇની ખરીદદારી કરે છે.