પડતર-ખર્ચમાં વધારાથી વસ્રોના રિટેલર્સ માટે 2022 મુશ્કેલી ભર્યું

નવી દિલ્હીઃ ગયા વર્ષે કોરોના રોગચાળાને લીધે પડકારજનક સમયગાળો હોવા છતાં વસ્ત્રોના છૂટક વિક્રેતાઓને કેલેન્ડર 2021માં ઊંચો નફો થયો છે. જેથી રોકાણકારોને આ રિટેલ ક્ષેત્રની કંપનીઓમાં મૂડીરોકાણથી લાભ થયો છે. ટ્રેન્ટ લિ. આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિ. અને શોપર્સ સ્ટોપના શેરોમાં ગયા વર્ષ નિફ્ટી-500 ઇન્ડેક્સના 30 ટકાના વધારાની તુલનાએ 45થી 65 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે આવનારું વર્ષ 2022 રિટેલ કંપનીઓ માટે મુશ્કેલીભર્યું રહેવાની અપેક્ષા છે.

વિશ્વમાં અને દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા કેસો, યાર્નમાં થયેલો ભાવવધારાને લીધે પડતર ખર્ચમાં થયેલો વધારો અને માગ પર પડેલી પ્રતિકૂળ અસરને લીધે રિકવરી માટે એક જોખમ ઊભું કરે છે. વળી, હવે કંપનીઓ ઊંચા પડતર ખર્ચને પહોંચી વળવા માટે રિટેલમાં ભાવવધારા મુદ્દે કેવું વલણ અપનાવે છે, એ જોવું રહ્યું, એમ વસ્ત્રમના માલિક સંજય વ્યાસે જણાવ્યું હતું. વળી, તેમણે કહ્યું હતું કે દેશમાં જે રીતે કોરોનાના કેસો ખાસ કરીને ઓમિક્રોનમાં વધારો થઈ રહ્યો છે, એ જોતાં સરકાર નવાં નિયંત્રણો પણ લાદે એવી શક્યતા છે. જોકે સરકારે હાલપૂરતો GSTનો કરવધારો ટાળી દીધો છે, એ એક સારી વાત છે.  

ડિસેમ્બરમાં માગ ઓક્ટોબર, નવેમ્બરની તુલનાએ થોડી ધીમી હતી. જોકે ઓમિક્રોનની ચિંતાઓ છતાં વસ્ત્રો માટે ઘરાકી લગ્નસરાની સીઝન હોવાથી નીકળવાની આશા છે. આ ઉપરાંત કોરોનાનો ખૂબ મુશ્કેલ સમય પૂરો થયો છે અને ગરમીનાં કપડાં અને એ પછી નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલો ખૂલી જાય તો માગ જળવાઈ રહેવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું.