મુંબઈઃ રિન્યૂ પાવર પ્રા. લિ.ની 10 સબસિડિયરીઓએ તેમનાં 7.25 વર્ષની મુદતનાં 58.5 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ ગિફ્ટ IFSC સ્થિત ઈન્ડિયા INXના ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પર એક્સક્લુઝિવલી લિસ્ટ કર્યાં છે. આમ કરનારી આ પ્રથમ ભારતીય કંપની છે. ઈન્ડિયા INXના GSM પ્લેટફોર્મ પર 50 અબજ યુએસ ડોલરથી અધિક મીડિયમ ટર્મ નોટ્સ અને 26 અબજ યુએસ ડોલરથી અધિક બોન્ડ્સ લિસ્ટેડ છે. કંપની રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની છે. 7.25 વર્ષની મુદતનાં બોન્ડ્સને ફિચ રેટિંગ્સ દ્વારા અપેક્ષિત ડબલ બી માઈનસ (પોઝિટિવ આઉટલૂક) રેટિંગ અને મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીસ દ્વારા બીએ3 રેટિંગ આપવામાં આવ્યું છે, જેની 4.50 ટકાની સ્પર્ધાત્મક કિંમત નક્કી કરવામાં આવી છે.
આ પ્રસંગે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના ચેરપર્સન ઈન્જેતી શ્રીનિવાસે કહ્યું કે ગિફ્ટ IFSCમાં ભારતીય કંપનીઓ નિયમિતપણે વિશ્વ મૂડીબજારમાંથી નાણાં એકત્ર કરે છે. એક્સક્લુઝિવલી લિસ્ટ કરવામાં આવેલાં રિન્યૂ પાવરનાં બોન્ડ્સ ઈન્ડિયા આઈએનએક્સમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસની સાબિતી છે.
ઈન્ડિયા INXના MD અને CEO વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે અમે રિન્યૂ પાવરનું સ્વાગત કરીએ છીએ અને તેમણે માત્ર ભારતના પોતાના IFSC પર બોન્ડ લિસ્ટ કરીને અન્ય ભારતીય કંપનીઓને રાહ ચીંધ્યો છે.
રિન્યૂ પાવરના સ્થાપક, ચેરમેન અને CEO સુમંત સિંહાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઋણ પ્રાપ્ત કરવા માટેના માનીતા સ્થાન તરીકે ઈન્ડિયા INX અને ગિફ્ટ સિટીને પ્રમોટ કરવાના સરકારના પ્રયત્નોથી અમે ખુશ છીએ. અમારો બોન્ડ ઈશ્યુ જે રીતે સફળ થયો તે દર્શાવે છે કે એન્વાયર્નમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણકારો રસ ધરાવે છે. રિન્યૂ પાવરે છેલ્લા છ મહિનામાં બોન્ડ્સ ઈશ્યુ દ્વારા આશરે 1.37 અબજ યુએસ ડોલર એકત્ર કર્યા છે.