મુંબઈઃ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની એક નવા સેગ્મેન્ટમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી હોવાનો અહેવાલ છે. કંપની ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલા ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પાસે હોટેલ અને રિસોર્ટ ડેવલપ કરવાની છે.
રિલાયન્સ ગ્રુપ હોસ્પિટેલિટી ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું છે. તેની નવી કંપની રિલાયન્સ SOU ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક હોટેલ અને રિસોર્ટ બનાવશે. ચાર વર્ષ પહેલાં બંધાયેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની અત્યાર સુધીમાં લાખો લોકો મુલાકાત લઈ ચૂક્યાં છે.
