Rcapની લિલામીઃ હિન્દુજાના સુધારેલા ટેન્ડર સામે NCLT પહોંચી ટોરેન્ટ

નવી દિલ્હીઃ દેવાંમાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના લેણદારોની કમિટી COCની મહત્ત્વની બેઠક આજે થવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ  ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી આ બેઠકમાં કંપનીના હસ્તાંતરણ માટે હિન્દુજા જૂથ ને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ (ટેન્ડર) પર વિચાર કરવામાં આવશે. દરમ્યાન ટોરેન્ટ ગ્રુપ હિન્દુજા ગ્રુપની રિવાઇઝ્ડ રજૂઆતની સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પહોંચ્યું છે.

દેવાંમાં ફસાયેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રૂ. 8640 કરોડનું ટેન્ડર ભર્યું છે, જ્યારે હિન્દુજા ગ્રુપે રૂ. 8110નું ટેન્ડર ભર્યું છે. આ કંપનીને વેચવા માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં. કંપનીએ લેણદારો માટે એટલે કે COC માટે બેઝિક કિંમત રૂ. 6500 કરોડ રાખવામાં આવી હતી.

ઓનલાઇન લિલામીનું આયોજન રાખવામાં આવ્યું હતું, પણ પછી હિન્દુજા ગ્રુપે એક સંશોધિત દેવાં સમાધાનનો પ્રસ્તાવ મોકલતાં પોતાનું ટેન્ડર રૂ. 9000 કરોડ કરવાની રજૂઆત કરી હતી. આટલું જ નહીં, કંપનીએ બધી રકમ રોકડમાં આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેથી ટોરેન્ટ ગ્રુપ હિન્દુજા ગ્રુપની સામે NCLT પહોચ્યું છે.  આજની બેઠકમાં COC આ બંને કંપનીઓનાં ટેન્ડરો પર ચર્ચા કરશે. કંપનીનાં મોટા લેણદારોમાં LIC અને EPFO જેવાં નામ સામેલ છે.