અમેરિકી ડોલરની ઇજારાશાહી તોડવા RBIની પહેલ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે બેન્ક આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયામાં સેટલમેન્ટ માટે એક સિસ્ટમ બનાવી રહી છે. RBIએ આ પગલું રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતીય રૂપિયા પર વધી રહેલા દબાણની વચ્ચે ઉઠાવ્યું છે. વૈશ્વિક વેપારમાં વધારાને પ્રોત્સાહન આપવા અને રૂપિયામાં દુનિયાના વધતા રસને જોતાં બેન્કે આ નિર્ણય લીધો છે, એમ RBIએ કહ્યું હતું.

રૂપિયામાં વૈશ્વિક વેપારના સેટલમેન્ટની સુવિધાથી ભારતને કેટલાક એવા પ્રતિબંધોને નજરઅંદાજ કરવામાં મદદ મળે એવી શક્યતા છે, જે કેટલાક ખાસ દેશોની સાથે અમેરિકી ડોલર જેવી ગ્લોબલ કરન્સીમાં વેપારની મંજૂરી આપવાની રોકે છે. દાખલા તરીકે યુક્રેન પર રશિયાના હુમલાને લીધે પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા હતા.

આ આર્થિક પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓને રશિયાથી ઉત્પાદનોને ખરીદીમાં મુશ્કેલીઓ થઈ રહી હતી, જેથી RBIએ આયાતની ચુકવણી માટે વૈકલ્પિક પદ્ધતિ કરવા પર મજબૂર થવું પડ્યું હતું.

આ વ્યવસ્થા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે એના હેઠળ વિદેશથી આયાત અને નિકાસનાં બધાં સેટલમેન્ટ બારતીય રૂપિયામાં કરી શકાશે. એનાથી ભારત અને સંબંધિત દેશની કરન્સી બજારમાં એકસચેન્જ રેટને નિર્ધારિત દર રાખી શકાશે. સોદાનું સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં કરી શકાશે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે સેટલમેન્ટ માટે ભારતમાં સત્તાવાર ડીલર બેન્કોને રૂપિયા વોસ્ટ્રો ખાતાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જે હેઠળ ભારતમાં કોઈ સત્તાવાર બેન્ક વેપારમાં ભાગીદાર દેશની બેન્ક અથવા બેન્કોની સાથે વિશેષ રૂપિયામાં વોસ્ટ્રો ખાતાં ખોલી શકે છે. જેથી ભારતીય આયાતકાર, વિદેશી સપ્લાયર્સનાં બિલનું સેટલમેન્ટ રૂપિયામાં કરી શકશે. એ જ રીતે ભારતીય નિકાસકારને ભાગીદાર દેશની બેન્કોના વિશેષ વોસ્ટ્રો ખાતાથી નિકાસની ચુકવણી કરી શકશે.