નવી દિલ્હીઃ સતત ઘટી રહેલા જીડીપી ગ્રોથ અને મોંઘવારીમાં દરમાં થઈ રહેલા વધારાને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાછલી ધિરાણ નીતિ ચાલુ નાણાકીય વર્ષ માટે પણ યથાવત્ રાખી હતી. રિઝર્વ બેન્કે છઠ્ઠી દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરી હતી અને નાણાકીય વર્ષ 2019-20ના છેલ્લા બે મહિના માટે ચાવીરૂપ વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા. રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત આરબીઆઇએ એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું છે.
રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક ચોથીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન મળી હતી, એમ બેન્કે કહ્યું હતું. રિઝર્વ બેન્કે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે વિવિધ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને આધારે અને દેશની નબળી ખપતની માગને જોતાં દેશનો જીડીપી ગ્રોથ પાંચ ટકાનો અંદાજ્યો છે.
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર શાકભાજી- ખાસ કરીને ડુંગળી-ટામેટાં મોંઘાં બનતાં ફુગાવાનો દર વધીને પાંચ વર્ષની ઊંચાઈએ 7.3 ટકા આવ્યો હતો. જોકે સંસદમાં રજૂ કરાયેલા 2019-20ના આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષે અર્થતંત્ર અંદાજે છથી સાડા છ ટકાના દરે વધવાનું અદાજવામાં આવ્યું છે.