રાજકોષીય ખાધ સરભર કરવા વધારાની નોટો નહીં છપાય

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.

રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વધાર્યો

નાણાપ્રધાને આગામી નાણાકીય વર્ષ 2020-21 માટે રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાની સંભાવના દર્શાવી છે, જ્યારે જુલાઈ, 2019માં એને ત્રણ ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.સરકારની રાજકોષીય ખાધ ડિસેમ્બરના અંતે 132 ટકાને પાર કરી ગઈ હતી.

રાજકોષીય ખાધ એટલે શું?

સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના અંતરને રાજકોષીય ખાધ કહે છે. રાજકોષીય ખાધ સામાન્ય રીતે આવકમાં ઘટાડો અથવા મૂડીખર્ચમાં વધારાને લીધે થતો હોય છે.