RBIએ 10મી વાર રેપો રેટ યથાવત્ રાખ્યોઃ GDPનો 7.2 ટકાનો અંદાજ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટમાં કોઈ કાપ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. બેન્કે વ્યાજદર 6.5 ટકા પર યથાવત્ જાળવી રાખ્યા છે. જેથી હોમ લોનના દરોમાં કોઈ ફેરફાર નહીં થાય. આ સાથેમ RBIએ વલણ બદલીને ન્યુટ્રલ કરી દીધું છે.

RBIએ FY25 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ 4.5 ટકા રાખ્યો છે. આ સાથે 2025ના બીજા ત્રિમાસિક  માટે 4.1 ટકા, ત્રીજા ત્રિમાસિક માટે 4.8 ટકા, ચોથા ત્રિમાસિક માટે 4.2 ટકા અને 2026ના પહેલા ત્રિમાસિક માટે 4.3 ટકા રાખ્યો છે.ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે GDPનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને સાત ટકા કર્યો છે, જ્યારે Q3 માટે 7.3 ટકાથી વધારીને 7.4 ટકા અને Q4 માટે 7.2 ટકાથી વધારીને 7.4 ટકા અને 2026ના પહેલા ત્રિમાસિક માટે GDPનો અંદાજ 7.3 ટકા રાખ્યો છે.

RBI ગવર્નરે 7મી ઓક્ટોબરથી શરૂ થયેલી MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે આ વખતે MPCમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત રાખવા સહમતી આપી હતી. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન EMIમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય.