RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યાઃ મોંઘવારી કાબૂ બહાર  

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે મહત્ત્વના વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. RBI ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યું હતું કે બેન્કની MPC કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી. બેન્કે રેપો રેટ પહેલાંની જેમ ચાર ટકાએ જાળવી રાખ્યો છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકાએ જાળવી રાખ્યા છે. RBIએ ૧૧મી વખત ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે વ્યાજદરો જાળવી રાખ્યા છે. એ સાથે બેન્કે અર્થતંત્ર માટે એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું છે.

તેમણે સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે રિવર્સ રેપો રેટ ના વધારવાનો નિર્ણય લીધો છે. બેન્કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કોરિડોરને વધારીને  50 bps એટલે કે 0.50 ટકા કરી દીધા છે.  હવે એ કોરોના રોગચાળાના પહેલાંના સ્તરે પહોંચી ગયા છે. કોરોના વાઇરસ રોગચાળાને લીધે  ફેબ્રુઆરી-2019થી મે-2020 સુધી RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો કાપ મૂક્યો હતો.

રિઝર્વ બેન્કે નાણાં વર્ષ 2022-23માં GDP ગ્રોથનો અંદાજ 7.8થી ઘટાડીને 7.2 ટકા કર્યો છે. અર્થતંત્ર પર કોરોના રોગચાળાના ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડી છે. 2021-22ના ડિસેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથ 5.4 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગ્રોથ 8.5 રહ્યો હતો.

ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવાનો દર વધીને 6.07 ટકા રહ્યો હતો, જે પહેલાં જાન્યુઆરીમાં 6.01 ટકા રહ્યો હતો. રિઝર્વ બેન્કનો લક્ષ્યાંક ચારથી છ ટકા વચ્ચે રાખવાનો છે. બેન્કની આગામી બેઠક છ જૂનથી આઠ જૂને થવાની છે.