નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ સમિતિ (MPC)એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં નીતિ વિષયક વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કહ્યું હતું કે રેપો રેટ 6.50 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. RBIની સમીક્ષા બેઠક 6, 7 અને આઠ જૂને થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં GDP વૃદ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. વળી, બેન્કનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર આઠ ટકા રહે એવી ધારણા છે. આ જ રીતે ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ રેટ છ ટકા રહેવાનો અંદાજ છે. એ જ રીતે ચોથા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર 5.7 ટકા રહેવાની સંભાવના છે.
મોંઘવારી દર અંગેનો અંદાજ
તેમણે રિટેલ મોંઘવારી દર ચાર ટકાએ લાવવાના લક્ષ્યની વાત કહી હતી. બેન્કનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી દર 5.1 ટકા રહે એવી શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં મોંધવારી દર 4.6 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા રહેવાનો અંદાજ છે.
આ પહેલાં એપ્રિલ, 2023માં RBIની MPCની બેઠકમાં રેપો રેટ 6.5 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કે મે, 2022- ફેબ્રુઆરી, 2023ની વચ્ચે રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો હતો.