રૂ.2000ની અડધા ભાગની નોટ્સ RBI પાસે પાછી આવી ગઈ છે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કનું કહેવું છે કે રૂ. 2000ના મૂલ્યવાળી કરન્સી નોટ વ્યવહારમાંથી પાછી ખેંચી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં રૂ. 1.80 લાખ કરોડની કિંમતની નોટ પાછી આવી ગઈ છે. કેન્દ્રીય બેન્કની દ્વિ-માસિક આર્થિક નીતિની જાહેરાત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2000ની આશરે અડધા ભાગની નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2023ની 31 માર્ચે રૂ. 2000ના મૂલ્યની રૂ. 3.62 લાખ કરોડની કિંમતની નોટ વ્યવહારમાં હતી. એમાંથી રૂ. 1.80 લાખ કરોડની નોટ પાછી આવી ગઈ છે.

આ નોટને 2016માં વ્યવહારમાં મૂકવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે આ નોટ કાયદેસર રીતે માન્ય રહેશે, પરંતુ નાગરિકોને એમ પણ જણાવી દીધું છે કે એમણે તેમની પાસેની રૂ. 2000ની નોટ 2023ની 30 સપ્ટેમ્બર સુધીમાં બેન્કોમાં જમા કરાવી દેવી અથવા એક્સચેન્જ કરાવી લેવી.