એક જ એક્સચેન્જમાં વેપારનું કેન્દ્રીકરણ રાષ્ટ્રીય હિતમાં નથીઃ બીએસઈ

મુંબઈ તા.8 જૂન, 2023: દેશના મૂડીબજારમાં એક જ એક્સચેન્જમાં વેપારનું મોટા પ્રમાણમાં થયેલું કેન્દ્રીકરણ ચિંતાનો વિષય છે, જેનો ઉપાય કરવાની તાતી જરૂર છે, એમ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું. આ અંગેની વધુ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે મેં આઠ વર્ષ પૂર્વે એનએસઈ છોડ્યું એ પછી બજારનો જે રીતનો વિકાસ થયો છે એ ચિંતાપૂર્ણ છે. કેશ બજારમાં એનએસઈ 75 ટકા બજાર હિસ્સો ધરાવતું હતું તે અત્યારે વધીને 93 ટકા થઈ ગયો છે. ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ઓપ્શન્સમાં એનએસઈની મોનોપોલી જેવી સ્થિતિ છે.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિ

તો ભારતને આર્થિક ફટકો પડી શકે

વૈશ્વિક ફલક પર તમે ગમે તેટલી મોટી સિદ્ધિઓ મેળવી હોય, પરંતુ આખરે તો તે બધી એક જ સેગમેન્ટ-ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં અને સિંગલ પ્રોડક્ટ્સ ઈન્ડેક્સ ઓપ્શન્સ- નિફ્ટી, બેન્ક નિફ્ટી અને કેટલેક અંશે ફાઈનાન્સિયલ નિફ્ટીમાં કેન્દ્રિત છે. અત્યારે સાઈબર ક્રાઈમ અને ટેકનોલોજીકલ સમસ્યાઓ જોતાં આ પ્રકારનું કેન્દ્રીકરણ આદર્શ ગણાય નહી.  જો ભારતને કોઈએ ફાઈનાન્સિયલ નુકશાન પહોંચાડવું હોય   તો તેણે માત્ર એનએસઈને ટાર્ગેટ બનાવવાનું રહે, એમ કહી સુંદરરમણે ઉમેર્યું કે વેપારના આવા કેન્દ્રીકરણથી કોર્પોરેટ ગવર્નન્સને વિપરિત અસર થઈ શકે છે.

બેંક જોબ છોડી હું શા માટે શેરબજારમાં આવ્યો?

એનએસઈ છોડ્યા બાદ સાડા આઠ વર્ષ હું બેન્ક ઓફ અમેરિકા સાથે જોડાયેલો રહ્યો હોવાનું જણાવતા તેમણે કહયું છે કે સાડા આઠ વર્ષ બાદ હું ફરી કેપિટલ માર્કેટમાં એ માટે જોડાયો છું કે મૂડીબજારના વિકાસની વર્તમાન જોખમી પેટર્નને બદલવાની તક મને ઈશ્વરે આપી હોય એવું લાગે છે. મારે દેશના મૂડીબજારને શ્રેષ્ઠ યોગદાન આપવું છે. બીએસઈ પર સોદાનું વોલ્યુમ વધારવા માટે તમે કયાં પગલાં લીધાં છે અને તેને અત્યાર સુધીમાં કેવો પ્રતિસાદ મળ્યો છે, એના ઉત્તરમાં સુંદરરમણે કહ્યું કે બીએસઈમાં રૂ.15ના મૂલ્ય સુધીના સ્ટોક માટેની ટિક સાઈઝ ગયા માર્ચ સુધી એક પૈસાની હતી. હવે અમે રૂ.100ના મૂલ્ય સુધીના શેરોની ટિક સાઈઝ એક પૈસા કરાઈ હોવાથી પ્રવાહિતા વધી છે. પરિણામે આ શેરોમાં 52 ટકા વોલ્યુમ ડિલિવરી આધારિત થયું છે. આ શેરો મોટે ભાગે રિટેલ રોકાણકારો દ્વારા ખરીદવામાં આવે છે. ટ્રેડિંગ વોલ્યુમની દૃષ્ટિએ આ સ્ટોક્સમાં અમારું વોલ્યુમ 9 ટકાથી વધીને 12 ટકા થયું છે.

સંસ્થાઓ બીએસઈમાં વોલ્યુમ વાળે

બીએસઈના વોલ્યુમમાં અત્યારે સંસ્થાકીય કામકાજનો હિસ્સો ચાર ટકાનો છે. નાણાંસંસ્થાઓ મોટે ભાગે માર્કેટ ઓર્ડર પ્લેસ કરતી નથી, તેઓ લિમિટ ઓર્ડર પ્લેસ કરે છે એટલે એમણે તેની ચિંતા કરવાની આવશ્યકતા નથી કે તેમના ઓર્ડર કયા એક્સચેન્જ પર એક્ઝિક્યુટ થાય છે. બજારની ગતિશીલતા જાળવવા અને વોલ્યુમ એક જ જ્ગ્યાએ કેન્દ્રિત ન થાય એ રાષ્ટ્રના હિતમાં છે અને બીએસઈ એ માટે પ્રયત્નશીલ છે. હકીકતમાં સંસ્થાઓએ સાવચેત થઈને કેટલુંક વોલ્યુમ બીએસઈમાં વાળવું જોઈએ. એમાં તેમને નુકસાન નથી, કારણ કે તેઓ માર્કેટ ઓર્ડર નહિ પણ લિમિટ ઓર્ડર્સ મૂકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ઓર્ડરનો પ્રવાહ આવી શકે છે તો પણ તે ત્યારે જ એક્ઝિક્યુટ થાય કે જ્યારે પ્રવાહિતા એટલે કે કાઉન્ટર ઓર્ડર્સ હોય, એના ઉત્તરમાં સુંદરરમણે કહ્યું કે બજારમાં ભિન્ન ભિન્ન પ્રકારના ખેલાડીઓ હોય છે, જેઓ યોગ્ય તક શોધતા હોય છે.

સંસ્થાઓની સામેલગીરીના પ્રયાસ

બીએસઈ કંઈ એવું એક્સચેન્જ નથી કે સારી રીતે ટ્રેડ થતા સ્ટોકના કાઉન્ટર ઓર્ડર્સ ઉપલબ્ધ ન બને. બીજું સંસ્થાઓએ બ્રોકરને ઓર્ડર એક્ઝિક્યુટ થવા માટે થોડો સમય પણ આપવો જોઈએ. સમય જતાં બજારને સમજાશે કે સંસ્થાઓ તેમના રોકાણ પ્રવાહના આંશિક હિસ્સાને બીએસઈ તરફ વાળે છે તો પછી ખેલાડીઓ ચોક્કસ આવશે અને ઊભા રહેશે, એ પછી પ્રવાહિતાનો પ્રશ્ન રહેશે નહિ.  જો સૌથી મોટી સ્થાનિક નાણાકીય સંસ્થા એમ કહે કે તે બીએસઈના વોલ્યુમમાંનો પોતાનો હિસ્સો 20 ટકા  સુધીનો થાય ત્યાં સુધી બે ટકા વધારતી રહેશે તો બહુ બધા બ્રોકરો બીએસઈમાં માત્ર એ જોવા કતાર લગાવશે કે સંસ્થાકીય  ઓર્ડર્સ આવી રહ્યા છે કે નહિ. આ કંઈ રાતોરાત બનશે નહિ પરંતુ અમે સંસ્થાઓની સામેલગીરી વધારવાના પ્રયત્નો ચાલુ રાખીશું.

એફઆઈઆઈનો રસ

વિદેશી રોકાણકાર સંસ્થાઓ (એફઆઈઆઈ) અત્યારે બ્લોક ડીલ્સ બીએસઈ પર કરે છે પરંતુ રેગ્યુલર વેપાર કરતી નથી. એફઆઈઆઈ એક્સચેન્જીસની વોલ્યુમ વેઈટેડ એવરેજ પ્રાઈસ સહિતની કોન્ટ્રેક્ટ નોટ્સ ઈચ્છે છે, જે અત્યારે તેમને મળતી નથી એટલે તેઓ અન્ય એક્સચેન્જ પર વેપાર કરતી નથી. તેમને એક સિક્યુરિટી માટે એક જ વેઈટેડ એવરેજ પ્રાઈસવાળી કોન્ટ્રેક્ટ નોટ્સ ઉપલબ્ધ કરવાના પ્રયાસો એક્સચેન્જ અને કસ્ટોડિયન્સ દ્વારા થઈ રહ્યા છે. એક વાર એ શક્ય બનશે પછી બીએસઈમાં એફઆઈઆઈ રેગ્યુલર વેપાર પણ કરશે.

ઓછાં ખર્ચે સોદાની તક

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વોલ્યુમ વધારવા અમે સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ રિલોન્ચ કર્યા છે. અમે સેન્સેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને તેના વોલ્યુમમાં વધારો થઈ રહ્યો છે. અમે જોયું કે બીએસઈ ડેરિવેટિવ્ઝ માટે માત્ર બે સોફ્ટવેર વેન્ડર્સ ફ્રંટ એન્ડ સપોર્ટ પૂરો પાડી રહ્યા હતા. ઘણા બ્રોકરો માત્ર એનએસઈમાં કેવાયસી કરવાની સગવડ પૂરી પાડતા હતા અને બીએસઈમાં કેવાયસી કરવાની નહિ. અત્યારે બારેક સોફ્ટવેર વેન્ડર્સ સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. આ સિવાય અમે એનએસઈની તુલનાએ બહુ ઓછા ખર્ચે કો-લોકેશન ફેસિલિટી પૂરી પાડી રહ્યા છીએ. હવે અલ્ગો ટ્રેડિંગ માટે પણ લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.