નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વર્ષ 2020-21માં વગર ટિકિટ પ્લેટફોર્મ અને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પકડવામાં આવેલા લોકોનો આંકડો સામે આવ્યો છે. કોરોનાને લીધે સ્ટેશનમાં વધુ ભીડ ના થાય એ માટે ટિકિટનું ભાડું મોંઘું કરવા સાથે કડક પ્રતિબંધ લગાવ્યા હતા, પરંતુ રેલવે સ્ટેશનો પર પ્રવેશ પર ગંભીર પ્રતિબંધ છતાં ગયા વર્ષે અત્યાર સુધી 27 લાખથી વધુ લોકો વિના ટિકિટે ટ્રેનોમાં યાત્રા કરતાં સમયે પકડવામાં આવ્યા છે. આની માહિતી એક RTI ક્વેરીથી મળી છે.
એક RTIથી માલૂમ પડ્યું હતું કે વર્ષ 2020-21માં 27 લાખથી વધુ લોકોને વિના ટિકિટ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા, જ્યારે કોરોનાને કારણે ગંભીર પ્રતિબંધ હતા.મધ્ય પ્રદેશના કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે RTI દ્વારા સવાલ કર્યા હતા, જેના જવાબમાં રેલવે બોર્ડે ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. એપ્રિલ, 2020થી માર્ચ, 2021ની વચ્ચે 27.57 લાખ વિના ટિકિટ યાત્રા કરતી વખતે પકડમાં આવ્યા અને તેમની પાસેથી રૂ. 143.82 કરોડનો દંડ વસૂલાયો, જ્યારે વર્ષ 2019-20માં 1.10 લોકોને વિના ટિકિટ યાત્રા કરતી વખતે પકડવામાં આવ્યા અને કુલ મળીને તેમની પાસેથી રૂ. 561.73 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રેલવેના પ્રવક્તા ડીજે નારાયણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિના ટિકિટ યાત્રા કરવું એ ભારતીય રેલવે સામે એક લાંબા સમયથી ચાલી આવતો પડકાર છે.