નવી દિલ્હીઃ હાલમાં GDP ગ્રોથ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કની MPC આ સપ્તાહે ધિરાણ દરની સમીક્ષા કરવા માટે મળવાની છે, ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ અને જાહેર મંચથી વ્યાજદરમાં કાપ અને સામાન્ય વ્યક્તિને રાહત આપવાની વકીલાત કરવામાં આવી છે.
બીજી બાજુ RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ગ્રોથ દરને જાળવી રાખવા અને મોંઘવારીને નાથવા માટે દબાણ છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાને નબળો પડતાં અટકાવવાનું પણ દબાણ છે.
રિઝર્વ બેન્કની છ સભ્યોવાળી મોનિટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4-6 ડિસેમ્બરે મળવાની છે, ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનું અર્થતંત્ર માત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે સાત મહિનાના નીચલા સ્તરે છે અને RBIના સાત ટકાના અંદાજથી પણ ઘણો નીચે છે.
દેશનો ઓકટોબરનો રિટેલ ફુગાવો RBIની ચાર ટકાની મર્યાદા ઉપરાંત છ ટકાથી વધુ રહી ૬.૨૦ ટકા રહ્યો છે, ત્યારે મોનિટરી પોલિસી કમિટી (MPC) વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવાનું દબાણ છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું. એક બાજુ ઊંચા ફુગાવા તથા બીજી બાજુ GDPની નીચી વૃદ્ધિને જોતાં ૪-૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી MPC બેઠકમાં સભ્યો વચ્ચે મતમતાંતર જોવા મળવાની સંભાવના રહેલી છે.
હવે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેલી છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા RBI હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેવો પણ એક મત પણ પ્રવર્તી રહ્યો છે.