પેટ્રોલ પમ્પ ડીલર્સની ૧૩ ઓક્ટોબરની હડતાળ રદ

નવી દિલ્હી – પેટ્રોલ પમ્પના માલિકોએ એમની ૧૩ ઓક્ટોબરની હડતાળ પડતી મૂકી છે, કારણ કે એમના યૂનાઈટેડ પેટ્રોલિયમ ફ્રન્ટ નામના સંગઠને દેશવ્યાપી હડતાળને પાછી ખેંચી લીધી છે. આ હડતાળ પાછી ખેંચાવાનું કારણ છે, સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આપેલી ચેતવણી.

ઓઈલ કંપનીઓએ ડીલર્સને ચેતવણી આપી હતી કે જો તેઓ ૧૩મીએ હડતાળ પર જશે તો એમની સામે કડક પગલાં લેવામાં આવશે, જેમાં એમનો ડીલરશિપનો કોન્ટ્રાક્ટ રદ પણ થઈ શકશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી અપાતા કમિશનમાં વધારો કરવામાં આવે અને પેટ્રોલિયમ ઉત્પાદનોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કરમાળખામાં સામેલ કરવાની માગણીઓના ટેકામાં પેટ્રોલિયમ ડીલર્સે ૧૩ ઓક્ટોબરે હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું.

વધુમાં, યૂપીએફ સંગઠને એવી ચેતવણી પણ આપી હતી કે એમની માગણીઓ જો વહેલાસર સ્વીકારવામાં નહીં આવે તો ફ્યુઅલ ડીલર્સ ૨૭ ઓક્ટોબરથી બેમુદત હડતાળ પર જશે.

યૂપીએફમાં દેશભરના ૫૪ હજારથી વધુ ડીલર્સ સામેલ છે, જેઓ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સ, ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન અને કોન્સોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સના સભ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]