FTIIના નવા ચેરમેન તરીકે અનુપમ ખેરની પસંદગી

નવી દિલ્હી – ૫૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સમર્થક અનુપમ ખેરને પુણેસ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ખેર FTIIના આ ટોચના હોદ્દા પર અન્ય અભિનેતા ગજેન્દ્ર ચૌહાણના અનુગામી બન્યા છે.

અનુપમ ખેરના પત્ની કિરણ ખેર ભાજપનાં સંસદસભ્ય છે અને ચંડીગઢ મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં છે.

ગજેન્દ્ર ચૌહાણની મુદત વિવાદાસ્પદ રહી છે. એમની મુદત ગયા માર્ચ મહિનામાં પૂરી થઈ હતી.

ખેરની નિમણૂક અંગેનું નોટિફિકેશન ઈસ્યૂ કરી દેવામાં આવ્યું હોવાની જાહેરાત કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કરી છે.

અનુપમ અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ) તથા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન પદે રહી ચૂક્યા છે. હાલ તેઓ એક્ટર પ્રીપેર્સ સંસ્થાના ચેરમેન છે.

ભારત સરકારે અનુપમ ખેરને સિનેમા તથા કળાના ક્ષેત્રમાં કરેલા મહત્વના પ્રદાન બદલ ૨૦૦૪માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મભૂષણ ખિતાબથી સમ્માનિત કર્યા હતા.