નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો વકર્યો છે, ત્યારે રિઝર્વ બેન્ક એકાઉન્ટહોલ્ડરોના બચાવમાં આવી છે. મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કોને ગ્રાહકોનાં ખાતાંઓમાં KYC અપડેટ કરવાની મુદત 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવામાં આવી છે. ખાતાધારકે આ સમયગાળામાં KYC અપડેટ કરાવવાનું રહેશે.
રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકારોને કહ્યું હતું કે જે લોકોએ પોતાના બેન્ક ખાતાંઓમાં KYC અપડેટ કરવાનું છે, તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે. રિઝર્વ બેન્કે ગ્રાહકોને પોતાના KYC અપડેટ કરવા માટે 31 ડિસેમ્બર, 2021 સુધીની મુદત વધારી છે. તેમણે કહ્યું હતું કે બેન્કોને એ સલાહ આપી હતી કે સમયાંતરે kYC અપડેટની પ્રક્રિયા છે અથવા કોઈ પેન્ડિંગ kYC છે, એના પર ગ્રાહકના એકાઉન્ટમાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. જો કોઈ રેગ્યુલેટર અથવા એન્ફોર્સમેન્ટ એજન્સ અથવા કાયદાને કારણે એ ખાતા પર પ્રતિબંધ છે તો એ લાગુ રહેશે.
આ પહેલાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં KYC અપડેટ કરવા નિર્દેશ આપ્યા હતા. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો એ ગ્રાહકોની બેન્કિંગ સર્વિસિસને અટકાવી દેવામાં આવશે.