‘પેટીએમ’એ સેંકડો કર્મચારીઓને છૂટા કર્યા

મુંબઈઃ ઉત્તર પ્રદેશના નોઈડાસ્થિત ભારતીય મલ્ટીનેશનલ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપની ‘પેટીએમ’એ તેના ઓપરેશન્સ, સેલ્સ અને એન્જિનિયરિંગ વિભાગોમાંથી સેંકડો કર્મચારીઓને છૂટા કર્યા છે. એક અહેવાલ મુજબ, આ કંપની AI-સંચાલિત ઓટોમેશન તરફ આગળ વધી રહી હોવાથી તેણે અસંખ્ય કર્મચારીઓને છૂટા કરી દીધા છે. કંપનીના પ્રવક્તાએ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી, પરંતુ કહ્યું છે કે અમે અમારી કામગીરીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત ઓટોમેશનમાં પરિવર્તિત કરવા માગતા હોવાથી કાર્યક્ષમતામાં વધારો લાવવા, કામગીરીઓના પુનરાવર્તનની સમસ્યા દૂર કરવા અને ખર્ચ ઘટાડવા માટે ઓપરેશન્સ તથા માર્કેટિંગ વિભાગોમાંના કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે. આ નિર્ણયથી અમે કર્મચારીગણ પાછળ થતા ખર્ચમાં 10-15 ટકા બચાવી શકીશું, કારણ કે એવી કામગીરીઓ AI ટેક્નોલોજી કર્મચારીઓ કરતાં પણ વધારે સારી રીતે કરી શકશે.

પેટીએમ કંપની ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઈનાન્શિયલ સેવાઓના બિઝનેસમાં સક્રિય છે. તેની સ્થાપના વિજય શેખર શર્માએ 2010માં કરી હતી. એક અહેવાલ મુજબ, કંપનીએ 2021ના વર્ષમાં 500-700 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા હતા.