લોકોને ભડકાવતી ટીવીચેનલો પર પારલેની જાહેરખબરો નહીં

મુંબઈઃ લોકપ્રિય બિસ્કીટ બ્રાન્ડ પારલે-Gની ઉત્પાદક કંપની પારલે પ્રોડક્ટ્સે એવી ટીવી ચેનલો પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરખબરો ન કરવાનો નિર્ણય લીધો છે જેઓ રાષ્ટ્ર-વિરોધી, લોકોને ભડકાવતી અને સમાજમાં ઝેર ઓકતી વિગતો પ્રસારિત કરે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે ગયા જ અઠવાડિયે ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) ગેરકાયદેસર રીતે વધારવાના ટીવી ચેનલોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગેરરીતિ આચરનાર ત્રણ ટીવી ચેનલના નામ પણ આપ્યા છે. આ ત્રણ ચેનલ છે – રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા.

પારલે-G હવે આ ચેનલો પર પોતાના ઉત્પાદનોની જાહેરખબર નહીં કરે.

આવો જ નિર્ણય આ પહેલાં બજાજ ગ્રુપ પણ લઈ ચૂક્યું છે.

ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ઘણી ટોચની એડવર્ટાઈઝિંગ એજન્સીઓ તથા મિડિયા કંપનીઓએ કહ્યું છે કે તેઓ આ મામલે બારીક નજર રાખી રહી છે.

પારલે-Gના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું છે કે સમાજમાં ઝેર ફેલાવતી સામગ્રી પ્રસારિત કરનાર ન્યૂઝ ટીવી ચેનલોને એમની કંપની જાહેરખબરો નહીં આપે. અમે એવી સંભાવનાને પણ તપાસી રહ્યા છીએ જ્યાં અન્ય એડવર્ટાઈઝર્સ ભેગા થાય અને સમાચાર ટીવી ચેનલો પર જાહેરખબરો આપવા પાછળના ખર્ચ પર સંયમ રાખે, જેથી સમાચાર ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમણે એમની કન્ટેન્ટ (સામગ્રી)માં ફેરફાર કરવો જ પડશે.