ઓપનAIમાંથી હાંકી કઢાયેલા સેમ ઓલ્ટમેન નવું AI સાહસ શરૂ કરશે

સેન ફ્રાન્સિસ્કોઃ દુનિયાભરમાં જેણે ખળભળાટ મચાવી દીધો છે તે ChatGPT પ્રોગ્રામની ડેવલપર કંપની ઓપન આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સીઈઓ પદેથી હાંકી કઢાયેલા સેમ ઓલ્ટમેને ઈન્વેસ્ટરોને એમ કહ્યું હોવાનું મનાય છે કે તેઓ નવું AI સાહસ શરૂ કરવા વિચારે છે. આજે એમણે X (ટ્વિટર) પ્લેટફોર્મ પર આ પોસ્ટ કર્યું છેઃ ‘મને OpenAI ટીમ બહુ જ પસંદ છે.’

ઓલ્ટમેનની હકાલપટ્ટી બાદ પ્રેસિડન્ટ પદેથી ગ્રેગ બ્રોકમેને રાજીનામું આપી દીધું હતું. બ્રોકમેન ઓપનએઆઈના ભૂતપૂર્વ સહસંસ્થાપક છે. તેઓ હવે સેમ ઓલ્ટમેનના નવા પ્રોજેક્ટમાં જોડાય એવી ધારણા છે. ઓલ્ટમેનનો નવો એઆઈ પ્રોજેક્ટ કેવા પ્રકારનો હશે તેની તાત્કાલિક જાણકારી થઈ નથી. પરંતુ તેઓ ચિપ ડિઝાઈનર Arm સહિત સેમીકન્ડક્ટર એક્ઝિક્યૂટિવ્સ સાથે વાટાઘાટમાં હોય એવું જણાય છે.

ઓપન-એઆઈ કંપની ઓલ્ટમેનને પાછા નિયુક્ત કરવા ઈચ્છે છે?

દરમિયાન એક અહેવાલ એવો છે કે ઓપન-AI કંપનીના બોર્ડ સભ્યો સેમ ઓલ્ટમેનની ઓચિંતી હકાલપટ્ટી કર્યા બાદ હવે પસ્તાય છે અને એમને સીઈઓ પદે ફરી નિયુક્ત કરવા માટે એમને મનાવી રહ્યા છે. ઓલ્ટમેનને બોર્ડ દ્વારા એક વીડિયો કોલ ઉપર પાણીચું આપ્યું હતું.

પરંતુ હવે એક અહેવાલમાં ઓલ્ટમેનની નિકટના એક સૂત્રને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે ઓપન-એઆઈનું બોર્ડ રાજીનામું આપી દેવા માટે સૈદ્ધાંતિક રીતે સહમત થયું છે જેથી ઓલ્ટમેન તથા ગ્રેગ બ્રોકમેન માટે કંપનીમાં પાછા ફરવાનો માર્ગ મોકળો થાય.

ઓલ્ટમેને 2015માં સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક તથા અન્ય કેટલાક મહારથીઓ સાથે મળીને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઓપનએઆઈ કંપનીની સ્થાપના કરીને ચેટજીપીટી પ્રોગ્રામ આદર્યો હતો.