નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે કંપનીઓએ મેઇન બોર્ડ પર ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) થકી રૂ. એક લાખ કરોડથી વધુ ફન્ડિંગ એકત્ર કર્યું છે. શેરબજારના ઇતિહાસમાં આવું માત્ર બીજી વાર થયું છે. આ વર્ષે અત્યાર સુધી 70 IPO લોન્ચ થયા છે, જે 2007 પછી કોઈ એક વર્ષમાં આવેલા સૌથી વધુ IPO છે.
આ IPOથી એકત્ર કરવામાં આવેલી રકમ રૂ. 1.03 લાખ કરોડથી વધુની છે. વર્ષ 2007માં કુલ 100 IPO લોન્ચ થયા હતા અને ત્યારે કુલ 34,179 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2021માં 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 લાખ કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. એ કોઈ પણ એક વર્ષમાં IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી સૌથી વધુ રકમ છે. જોકે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ રેકોર્ડ આ વર્ષે તૂટી શકે છે, કેમ કે આ વર્ષને પૂરું થવામાં હજી બે મહિનાનથી વધુ સમય બાકી છે અને એ દરમ્યાન સ્વિગી, NSDL, NTPC ગ્રીન એનર્જી જેવા મોટા IPO લોન્ચ થવાની વકી છે.
નવેમ્બર કે નજીકના ભવિષ્યમાં આવનારા ઇશ્યુઓમાં સ્વિગી (રૂ. 11,000 કરોડ), ACME સોલર હોલ્ડિંગ્સ લિ. (રૂ. 3000 કરોડ) NSDL (રૂ. 4500 કરોડ), અસીરવાડ માઇક્રો ફાઇનાન્સ (રૂ. 1500 કરોડ) NTPC ગ્રીન એનર્જી (રૂ. 10,000 કરોડ), વન મોબીક્વિક સિસ્ટમ લિ. (રૂ. 700 કરોડ)નો સમાવેશ થાય છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં IPO દ્વારા રૂ. 65,000 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. એમાં સૌથી મોટો IPO હ્યુન્ડાઇ મોટર લિ.નો હતો, જેણે રૂ. 27,000 કરોડથી વધુ એકત્ર કર્યા હતા.