નવી દિલ્હીઃ દેશમાં પડેલા અનિયમિત વરસાદને કારણે સ્થાનિક બજારમાં શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડુંગળીની કિંમતો છેલ્લા 20 દિવસોમાં ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં એની સરેરાશ કિંમત રૂ. 60ની આસપાસ છે, જ્યારે અનેક રાજ્યોમાં એની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 સુધી પહોંચી છે. સ્થાનિક બજારના વેપારીઓનું કહેવું છે કે ડુંગળી સપ્લાય ચેનમાં અને માગમાં વધારો થતાં કિંમતોમાં વધારો થયો છે.
છૂટક બજારમાં ડુંગળીની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 છે, જ્યારે કેટલીક જગ્યાએ ડુંગળી રૂ. 27 પ્રતિ કિલો સુધી સસ્તા ભાવે વેચાઈ રહી છે. 10 સપ્ટેમ્બરે દેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત (ઓલ ઈન્ડિયા એવરેજ પ્રાઇસ) રૂ. 49.98 પ્રતિ કિલો હતી.
સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો વધવા માંડતાં સરકારે ઊંચા ભાવને કાબૂમાં લેવા માટે લગભગ એક સપ્તાહ પહેલાં જ રાહત ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત લોકોને પ્રતિ કિલો રૂ. 35ની કિંમતે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારે આ પહેલ પાંચ સપ્ટેમ્બરથી શરૂ કરી હતી. હાલમાં, દિલ્હી-NCR અને મુંબઈના લોકોને સબસિડીવાળા ભાવે સરકારી ડુંગળીનો લાભ મળી રહ્યો છે.
સરકારી સહકારી એજન્સી NCCF અને NAFED દ્વારા સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવી રહી છે. બંને સહકારી એજન્સીઓ મોબાઈલ વાન દ્વારા તેમના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે. સહકારી એજન્સીઓ પાસે હાલમાં 4.7 લાખ ટન ડુંગળીનો સુરક્ષિત સ્ટોક છે. સરકારને આશા છે કે સહકારી એજન્સીઓ દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાથી ડુંગળીના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળી શકશે.