ભારતમાં ‘એક-દેશ-એક-ભાવ’ નીતિ હોવી જોઈએઃ દુકાનદારોની ઈચ્છા

મુંબઈ – દુકાનદારોની માગણી છે કે ભારતમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો એક જ ભાવ હોવો જોઈએ.

સેલફોન્સ, ટેલિવીઝન્સ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ વેચતા દુકાનદારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આપણા દેશમાં ‘એક-દેશ-એક-ભાવ’ નીતિ હોવી જોઈએ.

દુકાનદારોની ફરિયાદ છે કે ઈ-કોમર્સ કંપનીઓ ચીજવસ્તુઓના ભાવ ઘટાડીને વેચતી હોવાથી રીટેલ વેપારીઓનો ધંધો 50 ટકા ઘટી ગયો છે. ઈ-કોમર્સ ક્ષેત્રની ધુરંધર કંપનીઓ અને પરંપરાગત ધંધાદારી દુકાનદારો વચ્ચે કોઈ સમાન ધોરણ રાખવામાં આવ્યું નથી. જો ઈ-કોમર્સ કંપનીઓની આ પ્રવૃત્તિઓને રોકવામાં નહીં આવે તો ઓફ્ફલાઈન દુકાનોનું અસ્તિત્વ મટી જશે.

ફેડરેશન ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશન્સ ઓફ ગુજરાત સંસ્થાની તાજેતરમાં આણંદ શહેરમાં એક બેઠક મળી હતી એમાં ગુજરાતભરના ડીલરોએ હાજરી આપી હતી.

એમાં વેપારીઓએ કહ્યું હતું કે ઈ-કોમર્સ માર્કેટ મારફત વેચાણ વધી રહ્યું છે એને પરિણામે રીટેલ દુકાનોમાં વેચાણને મોટો ફટકો પડ્યો છે.

અમદાવાદ કમ્પ્યુટર મર્ચંટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર નાગેચાએ કહ્યું હતું કે પરંપરાગત દુકાનદારો ઈ-કોમર્સ કંપનીઓની પડતર ભાવની નીતિનો મુકાબલો કરી શકે એમ નથી. દુકાનોનાં ધંધાનું અસ્તિત્વ તો જ ટકશે જો દેશભરમાં ઉત્પાદનોની કિંમત સમાન હોય.

નાગેચાએ એમ પણ કહ્યું કે જો દેશમાં ‘એક-દેશ-એક-ટેક્સ’ નીતિ છે તો ‘એક-દેશ-એક-ભાવ’ નીતિ  કેમ ન હોવી જોઈએ?

21-22 નવેમ્બરે મુંબઈમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા આઈટી એસોસિએશન્સની મીટિંગ યોજાવાની છે અને એમાં પોતે આ રજૂઆત કરશે એવું નાગેચાએ વધુમાં જણાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]