અમૃતસરના નિરંકારી ધાર્મિક સ્થળ (ડેરા)માં ગ્રેનેડ હુમલામાં 3નાં મોત, 15 જણ ઘાયલ

અમૃતસર – આ જિલ્લાના રાજાસાંસી વિસ્તારમાં આજે એક ધાર્મિક સ્થળે મોટરસાઈકલ પર સવાર થયેલા અને માસ્ક પહેરેલા બે શખ્સે એક ગ્રેનેડ ફેંકતાં ઓછામાં ઓછા 3 જણ માર્યા ગયા છે અને બીજાં 15 જણને ઈજા થઈ છે.

પોલીસે કહ્યું કે આ હુમલો અમૃતસરથી આશરે 15 કિ.મી. દૂર આવેલા આદલિવાલા ગામમાં નિરંકારી સંપ્રદાયના ડેરામાં કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્તોને અમૃતસરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો આસપાસના ગામડામાં રહેતા નિરંકારી સંપ્રદાયના અનુયાયીઓ છે. તેઓ એમના સાપ્તાહિક ધાર્મિક સંમેલન માટે આજે નિરંકારી સત્સંગ ભવન ખાતે એકત્ર થયા હતા.

બનાવ નજરે જોનારાઓએ પોલીસને કહ્યું કે બે યુવાન મોટરસાઈકલ પર આવ્યા હતા. એમણે ચહેરા ઢાંકેલા રાખ્યા હતા. તેઓ ડેરાના પ્રવેશદ્વાર ખાતે ઊભેલી એક મહિલાને પિસ્તોલ બતાવીને કેમ્પસની અંદર ઘૂસી આવ્યા હતા.

બધું જાણે બે મિનિટમાં જ થઈ ગયું હતું. અંદર આવીને એમણે ગ્રેનેડ ફેંક્યો હતો અને પછી ભાગી ગયા હતા.

હજી ગઈ 14 નવેમ્બરે જ પંજાબ પોલીસે ચેતવણી ઈસ્યૂ કરી હતી કે રાજ્યમાં 6-7 ત્રાસવાદીઓ ઘૂસી આવ્યા હોવાની એને બાતમી મળી છે.

હુમલો કરાયો ત્યારે નિરંકારી ભવનમાં 250 જેટલા લોકો એકત્ર થયા હતા.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે હુમલાને પગલે ટોચના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી.

હુમલાની આસપાસના વિસ્તારોમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજને મેળવી પોલીસ તપાસ કરશે.

હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ ગુપ્તચર વર્તુળોને એવી શંકા છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો આ હુમલામાં હાથ છે.

ઈન્ટેલિજન્સ બ્યુરોએ અગાઉ જ રાજ્યના પોલીસ સ્ટેશનોને ત્રાસવાદી હુમલાની સંભાવના અંગે એલર્ટ કરી દીધા હતા.