2014 પછી પ્રથમવાર WTI ક્રૂડ 70 ડૉલરને પાર, બ્રેન્ટ ક્રૂડ પણ નવા હાઈ પર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ડબલ્યૂટીઆઈ ક્રૂડની કીમત 70 ડૉલર પ્રતિ બેરલની પાર નીકળી ગઈ છે, જે નવેમ્બર 2014 બાદ સૌથી ઊંચા ભાવ છે. ત્યાં જ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 75 ડૉલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયો છે. આજના વેપારમાં નાયમેક્સ પર ડબલ્યૂટીઆઈ ક્રૂડ 70.46 ડૉલર પ્રતિ બેરલના ભાવ પર પહોંચી ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાન અને અમેરિકા વચ્ચે ખેંચતાણ વધવાના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2015ની ઈરાન પરમાણુ સમજૂતીને ખતમ કરવાની અપેક્ષાઓના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો આંશિકરૂપથી વધી રહી છે. આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકા ફરીથી ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવી શકે છે, જો આમ થશે તો ઈરાનને ક્રૂડ ઓઈલ એક્સપોર્ટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેનાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના સપ્લાય પર અસર પડશે અને ભાવ પણ વધી શકે છે.

આ સીવાય ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને રશીયા દ્વારા આગળ પણ પ્રોડક્શનમાં કપાત ચાલુ રાખવાના નિર્ણયથી ક્રૂડને સપોર્ટ મળ્યો છે.