એનએસઈમાં સૌપ્રથમ ગ્રીન બોન્ડ્સ ઈશ્યુ લિસ્ટ થયો

મુંબઈ તા. 21 ફેબ્રુઆરી, 2023: એનએસઈમાં સૌપ્રથમ ગ્રીન બોન્ડ્સ લિસ્ટ થયાં છે. ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ગ્રીન બોન્ડ્સના લિસ્ટિંગ નિમિત્તે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલાં ગ્રીન બોન્ડ્સ સહકારપૂર્ણ શાસન અને સ્થાનિક નગરપાલિકાઓના સુશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ઝડપથી વધી રહેલા શહેરીકરણને પગલે સ્થાનિક પાલિકાઓએ શહેરની માળખાકીય સુવિધાઓનું મોટે પાયે અપગ્રેડેશન અને વિસ્તરણ કરવું પડે છે. મ્યુનિસિપલ બોન્ડ્સ પાલિકાઓને ભંડોળનો વૈકલ્પિક સ્રોત પૂરો પાડે છે, જેના દ્વારા તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં ભંડોળો પરની નિર્ભરતા ઘટાડી શકે છે. માળખાકીય સવલતો માટેના ભંડોળ હેતુ કરાતા બોન્ડ્સ ઈશ્યુને ગ્રીન બોન્ડ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

ઈન્દોર મ્યુનિસિપલ બોન્ડ્સનો ઈશ્યુ 5.91 ગણો છલકાઈ ગયો હતો એ દર્શાવે છે કે ગ્રીન બોન્ડ્સમાં રોકાણકારોને રસ છે.મ્યુનિસિપલ બોન્ડ્સ વળતર પ્રાપ્ત કરવા સાથે રાષ્ટ્ર ઘડતરમાં સામેલ થવાની તક પૂરી પાડે છે.

વિશ્વમાં ગ્રીન બોન્ડ્સની માર્કેટ અત્યારે 2 ટ્રિલ્યન યુએસ ડોલરની થઈ ગઈ છે. 2019-2022 દરમિયાન 10.8 અબજ યુએસ ડોલરનાં ગ્રીન બોન્ડ્સ ભારતમાં ઈશ્યુ કરવામાં આવ્યાં હતાં.