મુંબઈઃ એનએસઈની સબસિડિયરી કંપની એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડે 24 ફેબ્રુઆરીથી દેશનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સનો પ્રારંભ કર્યો છે. બેંગલુરુ ખાતે મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ પર યોજાયેલી સેબી વર્કશોપમાં આ ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો.
નિફ્ટી ઈન્ડિયા મ્યુનિસિપલ ઈન્ડેક્સ દેશનાં નગર નિગમો દ્વારા ઈશ્યુ કરવામાં આવેલાં ઈન્વેસ્ટમેન્ટ ક્રેડિટ રેટિંગ ધરાવતાં મ્યુનિસિપલ બોન્ડસની કામગીરીને દર્શાવશે. આ ઈન્ડેક્સમાં સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ઈશ્યુ એન્ડ લિસ્ટિંગ ઓફ મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ રેગ્યુલેશન એક્ટ 2015 મુજબનાં બોન્ડ્સનો પણ સમાવેશ થાય છે. અત્યારે ઈન્ડેક્સમાં 10 ઈશ્યુઅરો દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા 28 બોન્ડ્સ ઈશ્યુ લિસ્ટેડ છે, જે બધા ડબલ એ ક્રેડિટ રેટિંગ ધરાવે છે.
સેબી ઈશ્યુ એન્ડ લિસ્ટિંગ ઓફ મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ રેગ્યુલેશન્સ 2015 અમલી બન્યો એ પછી દેશની મ્યુનિસિપલ બોન્ડ્સની બજારમાં ચેતન આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ મૂડીબજારમાંથી નાણાં એકત્ર કરી શકતી હોઈ તેમને નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવાનું અને નાગરી સુવિધાઓના માળખાને બહેતર બનાવવાનું ઉત્તેજન મળે છે.