મુંબઈ તા. 10 ઓક્ટોબર, 2023: સેબી અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનએ કરેલી વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2023 (ડબ્લ્યુઆઈડબ્લ્યુ)ની ઉજવણીમાં સહભાગી થવાની જાહેરાત નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ કરી છે. આ વર્ષે 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિશ્વ રોકાણકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વાર્ષિકોત્સવમાં રોકાણકાર શિક્ષણ અને રક્ષણ સંબંધિત વૈશ્વિક ઝુંબેશ ચલાવવામાં આવે છે.
એનએસઈએ 9 ઓક્ટોબરથી ઉજવણીનો પ્રારંભ કર્યો હતો એ સમયે મુખ્ય મહેમાન તરીકે સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંત નારાયણ ગોપાલકૃષ્ણન અને મહેમાન તરીકે સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગ તેમ જ એનએસઈના સિનિયર અધિકારીઓ- ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણન અને ચીફ રેગ્યુલેટરી ઓફિસર પીયૂષ ચૌરસિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું,”વર્લ્ડ ઈન્વેસ્ટર વીક એ રોકાણકાર રક્ષણ અને શિક્ષણ પ્રતિના અમારા સમર્પણને પુષ્ટ કરવા માટેનો મહત્ત્વનો અવસર છે. સક્ષમ કેપિટલ માર્કેટમાં રોકાણકારના રક્ષણનું મહત્ત્વ છે. અમે આનંદ સાથે ઉજવણીના આ સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ.”
સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંક નારાયણે કહ્યું કે, ‘સેબીનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારનું રક્ષણ છે. અમે માનીએ છીએ કે રોકાણકારોને વધુ માહિતી પૂરી પાડીને સારી રીતે રક્ષણ કરી શકાશે. જાણકાર રોકાણકાર ગેરવાજબી રોકાણ ઓફરો, શેર ટિપ્સ અથવા બજારની અફવાઓથી દોરવાશે નહિ. જાણકાર રોકાણકાર સંશોધન, જોખમ અને વળતરનો વિચાર કરી રોકાણ નિર્ણય લેશે.’
વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણી દરમિયાન સેબી રાષ્ટ્રીય સંકલનકાર તરીકે દેશ ભરમાં મૂડીબજારના સહભાગીઓ સાથે મળીને મૂડીસર્જન, ફાઈનાન્સિયલ ઈક્લુઝન જવાબદારીપૂર્ણ મૂડીરોકાણને વેગ આપવા વિવિધ કાર્યક્રમો યોજશે.