મુંબઈ તા. 24 માર્ચ, 2023: એનએસઈ બોર્ડની 23 માર્ચ, 2023ના રોજ યોજાયેલી મીટિંગમાં કેશ ઈક્વિટી માર્કેટ સેગમેન્ટ અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પહેલી જાન્યુઆરી, 2021ના રોજ કરાયેલા 6 ટકાના વધારાને પહેલી એપ્રિલ, 2023થી પરત ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ એ વખતે બ્રોકરોના ડિફોલ્ટ્સના પગલે બજારમાં સર્જાયેલી ચોક્કસ પરિસ્થિતિ વચ્ચે એનએસઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (એનએસઈ આઈપીએફટી)ના ભંડોળમાં આંશિક વધારો કરવા માટે ચાર્જીસમાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
વધુમાં એનએસઈ આઈપીએફટીના ભંડોળમાં પદ્ધતિસરનો વધારો કરવા માટે કેશ ઈક્વિટી માર્કેટ, ઈક્વિટી ફ્યુચર્સ સેગમેન્ટમાં પ્રતિ કરોડના વોલ્યુમ પર રૂ.0.01ને બદલે કરોડદીઠ રૂ.10નો અને ઈક્વિટી ઓપ્શનમાં રૂ.0.01ને બદલે કરોડદીઠ રૂ.50નો ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉક્ત ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં કરાયેલો ઘટાડો એનએસઈ આઈપીએફટીના કોન્ટ્રિબ્યુશનમાં કરાયેલા વધારા સામે આંશિક રીતે સરભર થશે. જોકે એકંદર ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં આશરે ચાર ટકાનો ઘટાડો થશે, એમ એનએસઈએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.