મુંબઈ – પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્કની કટોકટીને કારણે રોષે ભરાયેલા ગ્રાહકો ફરી વાર આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેશભરમાં ખળભળાટ મચાવનાર આ બેન્કના કૌભાંડમાં ભારતીય રિઝર્વ બેન્કે કોઈ પગલું ન લેતાં તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
દેખાવકારો ‘નો બેલ, ઓન્લી જામીન’ જેવા લખાણવાળા બોર્ડ સાથે દક્ષિણ મુંબઈમાં એસ્પ્લેનેડ કોર્ટની બહાર એકત્ર થયા હતા. આરોપી જાહેર કરાયેલા પીએમસી બેન્કના ભૂતપૂર્વ ચેરમેન અને HDIL કંપનીના માલિકોને આ જ કોર્ટમાં આજે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે એમને 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપતો ચુકાદો આપ્યો હતો. પીએમસી બેન્કના અધિકારીઓ સામે આરબીઆઈ પર્યાપ્ત પગલું લેતી નથી એવો ખાતેદારોએ આરોપ પણ કર્યો હતો. રોષે ભરાયેલા કેટલાક દેખાવકારોએ કોર્ટની ઈમારતની બહાર જતા વાહનો પર હુમલો પણ કર્યો હતો.
પીએમસી બેન્કમાંથી ખાતેદારોને એમના પૈસા ઉપાડવા પર આરબીઆઈએ મર્યાદા બાંધી દેતાં ખાતેદારો રોષે ભરાયા છે અને એવી માગણી કરી હતી કે એમની બચની કમાણીની રકમ બેન્ક પરત કરે.
ઉલ્લેખનીય છે કે અદાલતે હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ના ડાયરેક્ટરો સારંગ વાધવાન અને રાકેશ વાધવાનને 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. એવી જ રીતે, પીએમસી બેન્કના ભૂતપૂર્વ ચેરમેન વરયામ સિંહને પણ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
HDILના ચેરમેન રાકેશ વાધવાન અને એમના પુત્ર સારંગ વાધવાન સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ વિભાગે વાધવાનના નિકટના સહયોગીઓની પ્રોપર્ટીઓ ખાતે ઝડતી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
પીએમસી બેન્કમાં રૂ. 4,355 કરોડની છેતરપીંડીનું કૌભાંડ બહાર આવ્યું છે.
ઝડતી દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે HDIL કંપનીના માલિકોએ રાજ્યના નેતાઓને મહારાષ્ટ્રના અમુક વૈભવશાળી વિસ્તારોમાં અનેક ઘરો ગિફ્ટમાં આપ્યા હતા. ઈડી એજન્સીએ આ નેતાઓનાં નામ જાહેર કર્યા નથી.
આ બેન્ક છેતરપીંડી કૌભાંડમાં ઈડી એજન્સીએ એચડીઆઈએલ કંપનીના પ્રમોટરો સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે. HDILની હેડ ઓફિસ બાન્દ્રા ઈસ્ટમાં આવી છે જ્યારે રાકેશ વાધવાન બાન્દ્રા વેસ્ટમાં વાધવાન હાઉસ તરીકે જાણીતા એમના બંગલામાં રહે છે.