અમદાવાદઃ નિફ્ટી એક્સપાયરીના દિને ઘરેલુ બજારમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટી સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં નવો રેકોર્ડ સ્તર બનાવવામાં સફળ રહ્યો હતો. છેલ્લા કલાકમાં શેરોમાં થયેલી જોરદાર લેવાલીને પગલે શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં નીચલા સ્તરેથી 1000 પોઇન્ટની રિકવરી થઈ હતી, જ્યારે નિફ્ટીએ નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો હતો.
બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 535.15 પોઇન્ટની તેજીની સાથે 73,158.24ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી ઇન્ડેક્સ 162 પોઇન્ટ ઊછળી 22,217.45ના મથાળે બંધ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.26 લાખ કરોડ વધ્યા હતા. BSEના મિડકેપ અને સ્મેલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.92 અને 0.54 ટકા વધીને બંધ થયા હતા, જ્યારે બેન્કિંગ શેરોમાં વેચવાલી થઈ હતી.
કેન્દ્ર સરકારે શેરડીની MSPમાં પ્રતિ ક્વિન્ટલ આઠ ટકાનો વધારો કર્યો હતો, જે એક ઓક્ટોબર, 2024થી લાગુ થશે, જે પછી શુગર શેરોમાં વેચવાલી ફરી વળી હતી.
વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીના બે સપ્તાહમાં આશરે રૂ. 7536 કરોડના શેરો વેચ્યા હતા. આ સિવાય તેમણે કન્સ્ટ્રક્શન અને ટેલિકોમના રૂ. 4251 કરોડના શેરો વેચ્યા હતા. બીજી તરફ તેમણે ફાર્મા, આઇટી, કન્ઝ્યુમર સર્વિસીસ અને ઓટો કોમ્પોનન્ટ્સમાં આશરે રૂ. 4212 કરોડની લેવાલી કરી હતી. FIIએ અત્યાર સુધીમાં વર્ષ 2024માં અત્યાર સુધી ઇક્વિટીમાં 3.5 અબજ ડોલરની વેચવાલી કરી હતી. જોકે એની સામે DIIએ એટલી જ લેવાલી કરી છે. જોકે FIIએ 21 ફેબ્રુઆરીએ નેટ બાયર્સ રહ્યા હતા અને તેમણે રૂ. 284.66 કરોડના શેરોની લેવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 411.57 કરોડના શેરો વેચ્યા હતા.