નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે બંધઃ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારો –સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં 349 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી 22,200ની સાથે બંધ આવ્યો હતો. ખાનગી ક્ષેત્રના નાણાકીય શેરોમાં તેજીને કારણે બજારમાં તેજી થઈ હતી, જેથી નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 22,216ના નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. HDFC બેન્ક અને એક્સિસ બેન્કની આગેવાની હેઠળ નિફ્ટી બેન્ક 47,000ને પાર બંધ થયો હતો. 

શેરબજારોમાં જોકે આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 11,000 કરોડનો ઘટાડો થયો હતો. BSEનો મિડકેપ ઇન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.18 ટકા ઘટ્યા હતા. આ સાથે મેટલ, IT અને ઓટો શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં તેજી થઈ હતી.

BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 349.24 પોઇન્ટની તેજી સાથે 73,057.40 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 74.70 પોઇન્ટની તેજી સાથે 22,196.95ના સ્તરે બંધ થયો હતો.

એક્સચેન્જ પર કુલ 3931 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1955 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1877 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 99 શેરો સ્થિર રહ્યા હતા. આ સિવાય 338 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે નવ શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ ટચ કરી હતી.