EPFO ધારકો માટે રાહતના સમાચાર, નિયમોમાં થયા ફેરફાર

નવી દિલ્હી: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ રૂપિયા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરીને PF ખાતાધારકોને મોટી રાહત આપી છે. પેન્શન ફંડ બોડીએ હવે ખાતાધારકની પોતાની અથવા તેના આશ્રિતોની સારવાર માટે EPF ઉપાડ મર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધી આ ઉપાડ મર્યાદા 50,000 રૂપિયા સુધી હતી, માર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવો ફેરફાર 16મી એપ્રિલથી લાગુ

સારવાર માટે પૈસા ઉપાડવા અંગે EPFO ​​દ્વારા કરવામાં આવેલ નવો ફેરફાર બુધવાર, 16 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર લાગુ કરતા પહેલા, 10 એપ્રિલના રોજ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એપ્લિકેશન સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કર્યા હતા. પોતાની અથવા તેના આશ્રિત સભ્યની સારવાર માટે ખાતામાંથી પૈસા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ઉપાડ કરવો પડશે.

EPFOને સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પીએફ ખાતા ધારકને ગંભીર બીમારી અથવા પ્રતિકૂળ સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર માટે પીએફ ખાતા માંથી પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. જો ખાતાધારક અથવા તેના આશ્રિત સભ્ય ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હોય તો તેનો ઉપયોગ એડવાન્સ હેલ્થ ક્લેમ માટે કરી શકાય છે.

ખાતા ધારકને 68J હેઠળ ભરવુ પડશે ફોર્મ

સારવાર માટે 1 લાખ રૂપિયા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ફોર્મ ભરવું પડશે. નોંધનીય છે કે ગ્રાહકોને ધ્યાન રાખવું કે આ ઉપાડ મર્યાદા હેઠળ, ખાતાધારકો 6 મહિનાના મૂળ પગાર અને DA (અથવા વ્યાજ સાથે કર્મચારીનો હિસ્સો) જે ઓછો હોય તે રૂપિયા ઉપાડવા માટે દાવો કરી શકે છે. ખાતાધારકને ફોર્મ 31 દ્વારા આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે, જો કે, આ માટે ડૉક્ટર દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. 1 લાખ રૂપિયા ઉપાડવા માટે દાવો કર્યા પછી, ખાતાધારક તેને પોતાના અથવા સંબંધિત હોસ્પિટલના ખાતામાં પૈસા મોકલી શકે છે.